(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
અમેરિકાએ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો અને ખૂંખાર ત્રાસવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરાવવા માટે બ્રિટન અને ફ્રાન્સના સહયોગથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવનો મુસદ્દો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મોકલ્યો છે. અમેરિકાના આ પગલા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ચીન સાથે અમેરિકાના ટકરાવની સ્થિતિ સર્જાઇ છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતર રાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાની માગણી કરતા અમેરિકાના આ પ્રસ્તાવના મુસદ્દા પર ક્યારે મતદાન થશે, તે સ્પષ્ટ નથી. ચીન આ પ્રસ્તાવ પર વીટો કરી શકે છે. ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાં બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને તેના સદાબહાર સાથી ચીનને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની ત્રાસવાદીઓની યાદીમાં મસૂદ અઝહરને સામેલ કરવા માટે વીટોનો ઉપયોગ ન કરે. પાકિસ્તાનના એક રાજદ્વારી અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે તેનાથી સરહદે સર્જાયેલો તનાવ ઘટાડવામાં રાહત મળશે અને ભારત-પાકિસ્તાનની મંત્રણાના માર્ગ પણ ખુલશે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ પણ મસૂદ અઝહરના મામલામાં રોક લગાવવા માટે ચીન પાસે કારણો બતાવવાનું કહ્યું છે. ચીન દ્વારા કારણો જણાવવામાં આવ્યા બાદ આ મામલામાં અન્ય વિકલ્પો અંગે વિચારણા કરાશે. મસૂદ અઝહર અંગે ઇસ્લામાબાદની વિચારસરણીમાં પરિવર્તન જોવામાં આવી રહ્યું છે. અમેરિકાના પ્રસ્તાવના મુસદ્દામાં ભારતના પુલવામાના આત્મઘાતી હુમલાની ટીકા કરવામાં આવી છે અને અઝહરને સંયુક્ત રાષ્ટ્રની અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામેના પ્રતિબંધોની કાળી યાદીમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો યુએનની સુરક્ષા પરિષદમાં અમેરિકા મસૂદ અઝહરને આંતર રાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરાવવામાં સફળ થઇ જશે તો અઝહરને શસ્ત્રો મળવા અને તેની યાત્રા સામે પ્રતિબંધ લાદી દેવામાં આવશે અને તેની સંપત્તિ પણ જપ્ત થઇ જશે.
નોંધનીય છે કે અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ યાદીમાં સામેલ કરવાના પ્રયાસમાં ચાલુ મહિનાની શરૂઆતમાં ચીને અવરોધો ઉભા કરીને આ પ્રયાસ અટકાવી દીધો હતો. અઝહરને આંતર રાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવા માટે ચાર વાર પ્રયાસો કરવામાં આવ્યા છે. ચીને અગાઉના ત્રણ પ્રયાસો અટકાવી દીધા હતા અને ચોથા પ્રસ્તાવ પર ટેકનિકલ અવરોધ (વીટોનો ઉપયોગ) ઉભો કરી દીધી હતો.