(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવભરી પરિસ્થિતિને લઈ સરહદના ત્રણ રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં હાઈએલર્ટ અપાયું હોઈ બોર્ડ ઉપર સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવા સાથે નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોર્ડર નજીકના જિલ્લાઓ સહિત રાજ્યમાં પોલીસ ચેકિંગ સહિત બંદોબસ્ત કડક બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ રાજ્યમાં સુરક્ષાને લઈ બેઠકોનો દોર જારી રાખ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી લેટેસ્ટ રિપોર્ટ લેવા સાથે જરૂર નિર્દેશો પણ આપ્યા હતા. પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ગુજરાતના પાડોસી દેશથી અડીને દરિયાઇ અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય સ્થાનોએ મોનીટરીંગ વધારવાની સાથે બોર્ડરની નજીક લોકોની બહાર અવર-જવર પર રોક લગાવવામાં આવી છે. પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર નજીક દરેક નાગરિક કાર્યોને રોકી દેવામાં આવ્યા છે અને બોર્ડર નજીકના જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા સરહદ વિસ્તારમાં જવાબી કાર્યવાહીમાં કોઈ અણગમતું પગલું ન લેવાય તેના પર સૌની મીંટ મંડાઈ છે. સરહદી વિસ્તારના ડિરેક્ટર જનરલ ડીબી વાઘેલાએ કહ્યું કે, તેમણે દરિયાઇ અને જમીન બોર્ડર પર આતંરિક સુરક્ષા માટે એક ચોક્કસ યોજના તૈયાર કરી છે. સશસ્ત્ર દળો સરહદની સુરક્ષા કરે છે. તેમણે જણાવ્યું કે, અમારું ધ્યાન આતંરિક સુરક્ષા પર છે. વર્તમાન તણાવ દરમિયાન સરહદ વિસ્તારોમાં કોઈ અવ્યવસ્થા નથી તેની ખાતરી કરવા અમે કામ કરી રહ્યા છીએ. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતીય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તહેનાતી શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત દ્વારકા મંદિર આતંકવાદીઓના હીટલિસ્ટમાં હોવાથી મંદિર અને દરિયાની સાથે ઓખાના દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથએ જામનગરની આસપાસના માનવ વસ્તી વગરના ૯ ટાપુ પર વોચ ગોઠવી દેવાઈ છે. પોરબંદરમાં પણ દરિયામાં નજર રાખવા માટે ડ્રોન તહેનાત કરાયું છે. પુલાવામામાં થયેલા આતંકી હુમલામા ભારતના સૈનિકો શહીદ થયેલા જેના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલો કરી અનેક આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સાથે ભારતની દરિયાઈ સુરક્ષા તથા અનેક જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તેવી રીતે દીવના દરિયાઈ સીમા પર પણ નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરિયાઈ સીમા પર પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે દીવ સીમા સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દીવના એરપોર્ટ પર હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
દીવ પોલીસ દ્વારા પણ દીવ શહેરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બહારથી પણ આર્મીના જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે દીવ આવી પહોંચ્યા છે. પાકિસ્તાન દીવ દરિયાઈ સીમાંથી નજીક હોવાના કારણે સુરક્ષામાં વધારો કરાયો છે. દીવ એરપોર્ટની પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દીવમાં બંને ચેકપોસ્ટે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હોટલોમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દીવ માછીમારોને અને દરિયામાં ગયેલા માછીમારોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સહિત ત્રણ રાજ્યોની બોર્ડર પર હાઈએલર્ટ : સુરક્ષા વધારાઈ !

Recent Comments