સુરત,તા.૧૧
સુરતના કાપોદ્રામાં બુધવારે મોડીરાતે બેફામ બનેલી જેગુઆરે લોકોનાં જીવ અદ્ધર કરી દીધા હતાં. ઓવરબ્રિજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી દાદરા નગર હવેલી પાસિંગની જેગુઆર કાર હવામાં ૧૦ ફૂટ ઉંચે ફંગોળાઈને પલટી મારી ગઈ હતી અને ટ્રેક પર રાત્રી સફાઈ કરી રહેલા કર્મચારીની બાઈકને અડફેટે લીધી હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર અને બાઈકનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. જો કે સફાઈ કર્મી પોતાનો જીવ બચાવવા માટે રેલિંગ કૂદીને ભાગી ગયો હતો. કાર ચાલક સહિત તેમની જોડેનાં પાંચ લોકો ભાગી ગયા હતાં.જો કે કારની એરબેગ ખુલી જતા કાર ચાલકને જરા પણ ઇજા થઇ નહતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. નબીરા દ્વારા રાત્રીનું બેફામ ડ્રાઇવિંગ કરી રાહદારીઓના જીવ પડીકે બંધાવી દીધા હતા. કાપોદ્રા પોલીસે કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.