(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
નવસારીના જલાલપોર તાલુકાના સરાવગામના બસ સ્ટોપ પાસે બે મોટર સાઈકલો સામસામે અથડાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્યને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે મોટા ફળિયામાં રહેતો મેહુલ હરીશભાઈ પટેલ તેના મિત્ર અંકિત કિરીટભાઈ પટેલ સાથે પોતાની સીબીઝેડ મોટર સાયકલ નં.જી.જે.૨૧-એ.બી.૨૧૦૭ પર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અમલસાડ-અબ્રામા રોડ પર સરાવગામના તળાવ પાસે બસ સ્ટોપ સામે પૂરપાટ ઝડપે સામેથી આવતા ગૌરાંગ અમ્રતભાઈ પટેલ (રહે. સરાવગામ), તા.જલાલપોરએ પોતાની કરીઝમાં મોટર સાયકલ નં.જી.જે.૨૧-એચ.૫૭૬૭ રોંગ સાઈડ પર પૂરપાટ ઝડપે હંકારી લાવી કાબુ ગુમાવી દીધો હતો. જે તેને સામેથી આવતી મેહુલની મોટર સાઈકલ સાથે અથડાવી દેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રસ્તા પર પટકાયેલા મેહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ કિરીટને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમજ અકસ્માત સર્જનાર ગૌરાંગને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને ગંભીર હાલતમાં નવસારીની હોસ્પિટલમાં અને તબિયત વધુ ગંભીર જણાતા સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પીએસઆઈ એચ.પી. ગરાસિયા તપાસ કરી રહ્યા છે.