(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
શહેરના મોટા વરાછા ઉતરાણ બ્રિજ ઉપર ગતરોજ મોડી રાત્રે એક કાર ચાલકે આગળ ચાલતી ચાર બાઇકને અડફેટે લઇ દુર્ઘટના સર્જી હતી. અકસ્માત બાદ કાર મૂકી ચાલક નાસી છૂટયો હતો. અન્ય બાઈક સવાર ૩ લાકો ઘવાતા ૧૦૮ દ્વારા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે મોટા વરાછા-ઉતરાણ બ્રિજ ઉપર આઈ-૨૦ કાર ચાલકે આગળ ચાલતી ૪ બાઈકને એક પછી એક અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત ગ્રસ્ત બાઈક સવાર કારના બોનટ પર પટકાયા હોવા છતાં ચાલકે કાર થોભાવી ન હતી. ફિલ્મી ઢબે અકસ્માત સર્જી ચાલક કાર ભગાડતો હતો તે દરમિયાન ડિવાઈડર સાથે ભટકાયા બાદ કાર થોભી હતી. દુર્ઘટનાની ગંભીર સમજી સ્થળ ઉપર જ કાર છોડીને ચાલક નાસી છૂટયો હતો. બનાવની જાણ થતા જ અમરોલી પોલીસ અને ૧૦૮ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. દુર્ઘટનાગ્રસ્ત બાઈકને મોટુું નુકસાન થયું છે. જ્યારે બાઈક સવાર લોકોને માથામાં હાથ-પગના ભાગે ઈજા થતા તેઓને ૧૦૮ દ્વારા સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે અમરોલી પી.એસ.આઈ. વળવી વધુ તપાસ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.