(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૦
ઉત્કૃષ્ટ બસ સેવા પ્રદાન કરવા બદલ સુરત મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યાના બીજા જ દિવસે માતેલા સાંઢની જેમ ધસમસતી સિટી બસે એક જ પરિવારના બે માસુમ ભુલકા સહિત ત્રણના માથે મોતની ચાદર ઓઢાડી દીધી હતી જ્યારે ચોથો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાથી ઘટનાએ સમગ્ર સુરતને વિચલીત કરી દીધા છે. લોકોમાં સિટી બસ સંચાલક સામે ઉગ્ર રોષની લાગણી વ્યાપી હોવાથી આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ડિંડોલી અંબિકાનગર સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટદ્રના નાગપુરના મંગલવાડી વિસ્તારના યશવંત ખડેશ્વર પોનીકર (ઉ.વ.૩૭) કાપડના કારખાનામાં મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાનો પૈકી ૮ વર્ષીય ભાવેશ નવાગામ ડિંંડોલી ખાતે આવેલી પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળા નં-૧૪૬માં ધો-૩માં, બીજો પુત્ર ૯ વર્ષીય સાહિલ ધો-૪માં જયારે તેનો ભાઈ વિનોદનો ૧૨ વર્ષીય પુત્ર ભુપેન્દ્ર ધો-૭માં અભ્યાસ કરે છે. યશંવતભાઈ આજે સવારે પોતાની બાઈક પર ત્રણેય માસુમોને સ્કૂલમાં મુકવા માટે જતા હતા તે વખતે ડિંડોલી બ્રિજ પર સિટી બસના ચાલકે તેમની બાઈકને લઈ તેમજ કચડી નાંખ્યા હતા. જેમાં યશંવતભાઈ, પુત્ર ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે સાહિલને ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે સિટી બસનો ચાલક બસ લઇને ભાગી ગયો હતો. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્‌યા હતા. એક પરિવારના પિતા-પુત્ર અને ભત્રીજાના મોતને પગલે પોનીકર પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ જવા પામી છે.
એક વર્ષ પહેલાં પાંચનાં મોત થયા હતા
ડિંડોલી બ્રીજ ઉપર આજે સવારે સ્કુલમાં છોકરાઓને મુકવા જતા પોનીકર પરિવારના યશંવતભાઈ અને તેમના પુત્ર- ભત્રીજાનું સિટી બસની અડફેટે કરૂણમોત નિપજ્યા છે ત્યારે એક વર્ષ પહેલાં આ જ ડિંડોલી બ્રિજ પર પજેરો કારની અડફેટે પાંચ જણાના મોત થયા હતા. આજે ફરી એજ સ્થળે ફરી અકસ્માતમાં ત્રણ જણાના મોત નિપજ્યા છે.
બ્રિજ નીચેની ફાટક ચાલુ કરવા માંગ
ઘટનાને પગલે આજુબાજુના બારે રોષ ફેલાયો છે. લોકોએ ઘટનાની જાણ થતા સ્થળ પર આવેલા પોલીસ અધિકારી સામે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રજુઆત કરી હતી કે બ્રિજ નીચેથી ફાટક પસાર થાય છે જે ફાટક બંધ હોય છે જેની ચાલુ કરવા રજુઆત કરી હતી તથા બ્રિજ પર ડિવાઈડર બનાવની પણ માંગણી કરી હતી. જેથી અકસ્માતમાં ઘટાડો થાય.
આજે અંતિમ વિધિ
યશંવતભાઈ પોનીકર મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની છે જેથી તેમના સગાસંબંધીઓ ગુરૂવાર સુધીમાં સુરત આવી પહોંચશે જેથી ત્રણેયની અંતિમ યાત્રા આવતીકાલે કાઢવામાં આવશે એમ તેમના પરિવારના નિકટના સુત્રોએ જણાવ્યું હતું.
નજીકની શાળાનો સ્ટાફ દોડી આવ્યો, પોલીસ દોઢ કલાક મોડી પડી
પાલિકાની શાળા નંબર ૩૨માં શિક્ષક દિપક ચૌધરીએ જણાવ્યું હતું કે, સાડા સાત વાગ્યે અકસ્માતમાં પાલિકાની શાળાના બાળકોના મોતની જાણ થઇ ત્યારે તાત્કાલિક તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સિટી બસની ટક્કર એટલી જારદાર હતી કે, ઘટના સ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા. ડિંડોલી પોલીસને જાણ કરવા છતા દોઢ કલાકે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.