(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩
એશિયન ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસમાં સૌ પ્રથમવાર બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી ટીમમાં બે સુરતી ખેલાડીઓનો સમાવેશ થયો હતો. બન્ને ખેલાડીઓ આજે સુરત આવી પહોંચતા એરપોર્ટ પર જ પરિવારજનો સહિત લોકોએ અદકેરૂં સ્વાગત કરી તેમને વધાવી લીધા હતાં.
એશિયન ગેમ્સનું જકાર્તામાં સમાપન સાથે જ ખેલાડીઓ વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ટેબલ ટેનિસમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર આજે સુરત એરપોર્ટ પર આવ્યાં હતાં. ત્યારે બન્ને ખેલાડીઓના પરિવારજનો અને ટેબલ ટેનિસ એસોસિએશનના સભ્યો સાથે જ યુવા સંગઠનો દ્વારા પુષ્પ ગુચ્છ આપીને તેમનું અધકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ઉજવણીનો માહોલ સર્જાયો હતો. હરમિત દેસાઈ અને માનવ ઠક્કરને પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ખુશ છીએ. અમારા સંતાનોની મહેનત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. અને આગામી સમયમાં પણ તેઓ આગળ વધે તે માટે પ્રોત્સાહનની સાથે સહકાર આપતાં રહેશે. ઘણા દિવસો બાદ સંતાનો ઘરે સિધ્ધિ લઈને આવ્યાં હોવાથી તેઓ જન્માનષ્ટમીના પર્વે બે બે રીતે ખુશ છે. સંતાન ઘરે આવ્યાં અને તે જ દિવસે જન્માષ્ટમી એટલે તેમની ખુશી ડબલ થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ સાથે જ સંતોષ ભલે માનવો પડ્‌યો હોય પરંતુ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સારી રીતે પર્ફોમન્સ આપવા માટે વધુ મહેનત કરીશું. અને જ્યાં પણ અમારી ભૂલો છે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું તેમ હરમતી દેસાઈ અને માનવ ઠક્કરે જણાવ્યું હતું.