(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરત જિલ્લા પંચાયત હસ્તકના પશુપાલન વિભાગના તાબા હેઠળ આવેલા પશુ દવાખાના અને ગ્રામ્ય પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ભાજપ શાસનમાં પોતે જાતે જ વેન્ટીલેટર ઉપર હોવાનું સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક દ્વારા આર.ટી.આઇ. હેઠળ મેળવાયેલી માહિતીમાં બહાર આવવા પામ્યું છે.
સુરત જિલ્લા પંચાયતનાં સભ્ય દર્શન નાયકે જણાવ્યું હતું કે, આર.ટી.આઇ. હેઠળ માંગેલી માહિતીમાં જિલ્લા પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત જિલ્લા પંચાયતના પશુ પાલક વિભાગના તાબા હેઠળ વિવિધ તાલુકાઓમાં પશુ દવાખાના અને ગ્રામ્ય પ્રાથમિક સારવાર કેન્દ્રો આવેલા છે. આ પૈકી બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા અને ઓલપાડ જેવા તાલુકાઓને છ પશુ દવાખાનાઓ અત્યંત જર્જરીત હાલતમાં છે. જ્યારે સુરત જિલ્લાના કુલ ૩૭ જેટલા પશુ સારવાર કેન્દ્રો અત્યંત જર્જરીત હાલતમાં હોય તે તાકીદે રીપેરિંગ માંગી રહ્યાં છે. જો કે, જિલ્લા પંચાયતે જણાવ્યું છે કે, આ પૈકીના આઠ કામોના વર્કઓર્ડર અપાઇ ગયા છે જ્યારે અન્ય સાત કામોની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે અન્ય બાકી રહેતા કામોના રીપેરિંગ અને નવીન બાંધકામોના ડિટેલ અંદાજો મંગાવવામાં આવ્યો છે.