(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
ભારત બંધને શાંતિપૂર્વક સફળ બનાવા માટે આજે સવારથી કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકતાઓ સુરત રોડ પર ઉતર્યા હતા. સવારના સમયે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શાળા કોલેજો બંધ કરાવવામાં આવી હતી. શહેરના પુણાગામ, સીતાનગર, વરાછા રોડ, કતારગામ, વેડરોડ વિસ્તારમાં સવારથી કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા બંધને સહકાર આપવા માટે શાંતિપૂર્વક અપીલ કરવામાં આવતા દુકાનો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા સહકાર આપી સ્વૈચ્છિક રીતે બંધમાં જાડાયા હતા. પુણાગામ યોગીચોક સીમાડા સરથાણા વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી, વિજયભાઈ પાનસુરિયાની અપીલના પગલે આખા વિસ્તારની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રહી હતી. સુરતમાં ભારત બંધની સૌથી વધુ અસર આ વિસ્તારમાં દેખાઈ હતી. વરાછા કતારગામ, એ.કે. રોડ વિસ્તારમાં બંધ માટે અપીલ કરવા નીકળેલ કોર્પોરેટર દીનેશભાઈ કાછડિયાની પોલીસ સાથે બોલાચાલી બાદ અટકાયત કરવામાં આવી હતી. વેડરોડ વિસ્તાર તેમજ અખંડ આનંદ કોલેજ સુધલી દુકાનો સવારના સમયે બંધ રહી હતી. રીંગરોડ, માનદરવાજા ખાતે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાલાની અપીલના પગલે દુકાનો બંધ રાખવામાં આવી હતી. લીંબાયતમાં ડો. રવીન્દ્ર પાટીલ, ઈકબાલ બેલીમ, અકરમ અન્સારીની અપીલના પગલે મીઠીખાડી મેઈનરોડ તેમજ લીંબાયતના શિવાજી નગર નિલગીરી સર્કલ સુધીની દુકાનો બંધ રહી હતી. બંધ માટે શાંતિપૂર્વક અપીલ કરવા નીકળેલ કોંગી અગ્રણીઓ અને કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા તેઓની અટકાયત કરવામાં આવી હતી. સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ બાબુભાઈ રાયકા તેમજ કોંગ્રેસ અગ્રણી કદીરભાઈ પીરઝાદા આજે સવારે રીંગરોડ પર આવેલ મિલેનિયમ માર્કેટની દુકાનોને બંધમાં જાડાવવા માટે શાંતિપૂર્વક અપીલ કરી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા અને વરિષ્ઠ કોંગી અગ્રણી કદીર પીરઝાદાની અટકાયત કરવામાં આવી હતી.
સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકાના જણાવ્યા અનુસાર આજે સવારથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ શહેરીજનોને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની માહિતી આપી લોકોને શાંતિપૂર્વક બંધમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.