(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
વેતન વૃદ્ધિ અને વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી સરકારી બેન્કના કર્મચારીઓ બે દિવસની હડતાળ છે. શહેરની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાતા કરોડો રૂપિયાનું ટ્રાન્જેકશન ઠપ થયું છે. ઘોડદોડ, પાંજરાપોળ સામે બેન્ક કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેર- જિલ્લા સહિત સમગ્ર દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા આપવામાં આવેલ બે દિવસની હડતાળમાં આજે પ્રથમ દિવસે શહેરની તમામ સરકારી બેન્કોના કર્મચારીઓ જાડાતા બેન્કિંગ કામકાજ ઠપ્પ થયું હતું. સરકારી બેન્કોમાં હડતાળના પગલે કરોડો રૂપિયાનું ટ્રાન્જેકશન ઠપ્પ થતા શહેરના ઉદ્યોગ ધંધા પર માઠી અસર પહોંચી હતી. સવારે દસ વાગ્યાના સુમારે સરકારી બેન્કોના કર્મચારીઓ યુનિયનની આગેવાની હેઠળ ઘોડદોડ રોડ પાંજરાપોળ સામે બેન્ક ઓફ બરોડાના પટાંગણમાં ભેગા થયા હતા. જ્યાં યુનિયન અગ્રણીઓ દ્વારા બેન્કિંગ કર્મચારીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. બેન્કો દ્વારા કરોડપતિ લોકોને લોન આપવામાં આવે છે અને તેની ભરપાઈ ન થવાથી બેન્કો ખાડામાં જાય છે. જેમાં બેન્ક કર્મચારીઓનો કોઈ વાંક નથી બેન્ક કર્મચારીઓ જ્યારે વેતનવૃદ્ધિની માગ કરે છે ત્યારે બેન્કો ખોટમાં હોવાનું કહી પગાર વધારાતો નથી. યુનિયનની પડતર માંગો અંગે પણ કોઈ નિર્ણય ન આવતા આજથી બે દિવસની હડતાળનું એલાન અપાયું છે. સરકાર જો બેન્કિંગ કર્મચારીઓના હિતમાં વિચારીને યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં અનિશ્રિત મુદ્દત માટેની હડતાળ પાડવામાં આવશે.