(સંવાદદાતા દ્વારા), સુરત તા.૨૬
શહેરના પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી વડોદ જવાના રસ્તા પર આજે સવારે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દુર્ઘટના સર્જનાર બાઈક ચાલક નાસી છુટ્યો હતો.
મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસ કોલોની પાસે રહેતો ૫૦ વર્ષીય અનુસીયા પાંડે સચીન જીઆઈડીસી ખાતે ડાઈંગ મિલમાં જોબ કરે છે. આજે સવારે નવેક વાગ્યાના સુમારે ઘરેથી પોતાની મોટર સાયકલ ઉપર નોકરીએ જવા નીકળ્યો હતો. તેરેનામ ચોકડી પાસેથી વડોદ તરફ જવાના રસ્તા પાસે અનુસીયા પાંડેની બાઈકને અન્ય બાઈક ચાલકે પૂરઝડપે ટક્કર મારી ગંભીર અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ તે બાઈક લઈને ત્યાંથી નાસી છુટ્યો હતો. ઘટના સ્થળે જમા થયેલ અન્ય રાહદારીને અને વાહન ચાલકો દ્વારા તત્કાલીત ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. ૧૦૮ની ટીમે ગંભીર રીતે ઘવાયેલ અનુસીયા પાંડેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જહેર કર્યો હતો. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી નાસી છુટેલ બાઈક ચાલકને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.