આરોપીએ ૧૬ બાઈકો ચોરી કર્યાની કબુલાત કરી    

મહેસાણા પોલીસે શહેરમાં વાહન ચેકિંગ દરમ્યાન વાહનચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરી હતી જેણે સૂરતમાંથી ૧૬ બાઈકો ચોરી હોવાની કબુલાત કરી હતી ઈનસેટ તસ્વીરમાં આરોપી અને મદ્દામાલ સાથે પોલીસ જણાય છે.

તસ્વીર-રઈસ સૈયદ,મહેસાણા

 

 

( સંવાદદાતા દ્રારા)                                                      મહેસાણા, તા.૧૦

સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી કરીને સસ્તામાં લોકોને પધરાવી દેનાર એક આરોપીને આજે મહેસાણા પોલીસે ઝડપી લીધો હતો.તેની પાસેથી ચોરી કરેલી બાઈકો સાથે કુલ રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.જયારે આરોપીએ કરેલી કબુલાતમાં ૧૬ ગુનાઓ ઉપરથી પડદો ઉંચકાયો છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મહેસાણા એસઓજીના પીએસઆઈ વાયએમ.બહેલીમ,એસ.એન.પરમાર તેમજ પોલીસ સ્ટાફ મહેસાણામાં વાહન ચેકિંગ કરી રહયા હતા.તે વખતે નંબરપ્લેટ વગરના એક મોટરસાયકલ નીકળતાં પોલીસે તેને અટકાવ્યો હતો.અને બાઈકસવારની પુછપરછ કરતાં તે થોથવાઈ ગયો હતો.અને આ બાઈક તેણે સૂરતના અડાજણમાં આવેલ લેકવ્યુ ફલેટ નજીકથી ચોરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.જેથી પોલીસે તેની અટકાયત કરીને સઘન પુછપરછ કરતાં આરોપી વેેલાભાઈ નારણભાઈ દેસાઈ રહે,ભગવાનપુરા,તા.ડીસાવાળાએ અગાઉ સૂરતમાં આવેલા અમરોલી પાળા, ઓલપાડ, દાંડી રોડ, કિમ ચોકડી, ભાઠા ગામ, પાલ ગામ, મોરા ભાગોળ, પાલનપુર પાટીયા જેવા વિસ્તારોમાંથી બીજી ૧૫ બાઈકો ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસ સુત્રોએ જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.જેમાં હજુ પણ અન્ય વાહનચોરીના ગુનાઓ પરથી પડદો ઉંચકાય તેવી સંભાવના જણાય છે.