સુરત,તા.ર૬
હાલમાં સુરત શહેરમાં પ્રદૂષણનો પ્રશ્ન ખુબ જ વિકરાળ બની રહ્યો છે. શહેરની વસ્તીનો આંક ૬૦ લાખથી વધુ પાર થવા જઈ રહ્યો હોય ત્યારે શહેરના સ્તરમાં જે અલગ-અલગ પોલીસીઓ બનાવવામાં આવતી હોય છે. એ જ પ્રમાણે પ્રદુષણ અંગે પણ કોઈ નક્કર પોલીસી બનાવવી ખુબ જરૂરી છે.
શહેરના અલગ-અલગ વિસ્તારમાં જુના ઉદ્યોગો તેમજ નવા ઉદ્યોગોની સ્થાપનાને કારણે હવાના પ્રદૂષણનું વ્યાપક પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ તેઓની સુરતની ઓફિસમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની ઊંઘ હજુ પણ ઉડતી નથી. ખાસ તો ઔદ્યોગીક એકમો દ્વારા ઝેરી ધુમાડા છોડવાને કારણે તે વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ચામડીના રોગો, ગળાના ઈન્ફેક્શનના ગંભીર રોગો તેમજ ફેફસાના રોગોની ફરિયાદો દિવસેને દિવસે ખુબ જ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. આ સિવાય આ વિસ્તારની અંદર રખડતા જાનવારોને પણ ખુબ જ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલા કે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને કારણે આવા ઔદ્યોગીક એકમો દિન પ્રતિદિન વધુને વધુ બેફામ બની ગયા છે.
આજ રીતે શહેરની આજુબાજુના ૧પ કિ.મી.ના એરિયામાં બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક એકમોની સ્થાપના થઈ રહી છે. જેને કારણે શહેર બહારના વિસ્તારોમાં સૌથી મોટા પ્રમાણમાં વોટર જેટના મશીનોવાળા એકમો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આવા એકમોની સ્થાપના વખતે પ્રથમ આ એકમોની અંદર ઈ.ટી.પી. પ્લાન્ટ લગાવવું ફરજિયાત હોય છે. આમ છતાં પણ ૯૦ % ઔદ્યોગિક એકમો દ્વારા આ પ્લાન્ટ લગાવ્યા વગર જ ચલાવવામાં આવતું હોય છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં આવા એક પણ એકમો ઉપર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈપણ કડક પગલા ભરવામાં આવતા નથી. જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને ખુબ જ મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે અને આજુબાજુના લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ મોટા પાયે ગંભીર અસર થઈ રહી છે. સુરતની આજુબાજુ સાયણ, કીમ, દેલાડ, કારેલી, પીપોદરા, કામરેજ, લસકાણા, પલસાણા, કડોદરા, વરેલી, જોરવા, સચીન, પાંડેસરા, ઉદ્યના, ખટોદરા, ઈચ્છાપોર અને અશ્વિનીકુમાર જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણની અંદર ઔદ્યોગિક એકમો દ્વારા હવા તેમજ પાણીમાં પ્રદૂષણ ફેલાવાતું હોય છે.
આ બાબતે કોઈ નક્કર પગલા ભરવામાં આવે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રોકવામાં આવે અન્યથા આવનારા ૭ દિવસોની અંદર સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સુરત ઓફિસ સામે ઉગ્ર દેખાવો કરી ‘તાળા બંધી’નો કાર્યક્રમ આપવામાં આવશે.