(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેર જિલ્લામાં મોડી રાત્રે સુસવાટાભેર પવન ફુંકાવાની સાથે ઝરમર વરસાદી છાંટા નોંધાયા હતા. મહુવા તાલુકામાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ઝરમર ઝાપટા થયા હતા. સુરત જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ બે દિવસના વિરામ બાદ ફરી ગત મોડી રાત્રે શહેર-જિલ્લામાં વરસાદની હાજરી નોંધાઈ હતી. રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે અચાનક ભારે પવન ફુંકાયો હતો. પવન ફુંકાવાની સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં ૨૨મી, ચોર્યાસીમાં ૧૬મીમી, માંડવીમાં ૮મીમી અને બારડોલીમાં ૧૨મીમી જેટલો વરસાદ નોધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગતરોજ શહેરમાં અસહ્ના ઉકળાટ અને બફારો થતા તાપમાનનો પારો પણ ઉચકાયો હતો. ગત મોડી રાત્રે ઝરમર ઝાપટા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે હજી ચોમાસાની શરૂઆત થઈ નથી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં બે વખત ઝરમર વરસાદ નોધાયો છે. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થવાની આગાહી છે.