(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
સુરત શહેરની બાર બેઠકોમાંથી કમસેકમ ચાર બેઠકો ઉપર નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં સત્તા વિરોધી લાગણી, લોકોમાં વિરોધ, ઉંમરનો અવરોધ અને હયાત રાજકીય સ્થિતિને લીધે ભાજપના હાલના ચાર ધારાસભ્યોને બદલવા માટેની તૈયારી કરવામાં આવી છે. સુરત – પૂર્વના રણજીત ગિલીટવાલા, કામરેજ બેઠકના પ્રફુલ્લ પાનસેરીયા, ઉધના બેઠકનો નરોત્તમ પટેલ અને કતારગામ બેઠકના નાનુભાઇ વાનાણીને હવે જગ્યા ખાલી કરી આપવી પડશે, તેમજ ભાજપના વર્તૂળોનું કહેવું છે કે રણજીત ગિલીટવાલાની ઉંમર, નિષ્ક્રિયતા અને સ્થાનિક લોકોમાં કચવાટ નડી ગયો છે. મંત્રી નાનુ વાનાણીને પાટીદારોની નારાજગી, સામાન્ય લોકો કરતા ઉદ્યોગપતિઓ સાથે વધુ પડતો લગાવ અને નિષ્ક્રિયતા હવે ત્રીજા ટર્મ માટે તક નહીં અપાવે, ઉધના બેઠક ઉપરથી ચૂંટાતા માજી મંત્રી નરોત્તમ પટેલ ૮૧ વર્ષના થઇ ચૂક્યા છે. તેમણે એક વખત તો દાવ ડિકલેર કરીને ચૂંટણી નવી લડવા માટેની જાહેરાત કરી લીધી હતી.
પરંતુ ફરી મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હતી. છતાં હવે યુવાન ચહેરાને તક આપવાની ભાજપની તૈયારીને જોતા નરોત્તમભાઇએ હવે ફરજીયાત નિવૃત્ત થવું પડશે, કામરેજ બેઠક ઉપરના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાને પાટીદાર અનામત આંદોલન નડી જાય તેમ છે. આંદોલન વખતે પાટીદાર યુવાનોને સમજાવવાની તક પણ ચૂકી ગયા હતા. પાટીદારોમાં પ્રભાવશાળી ધારાસભ્ય તરીકે બહાર આવી શક્યા નથી. એટલે પક્ષમાંથી તેમને રિપીટ નહીં કરવા માટેનો પ્રદેશ હાઇકમાન્ડ ઇરાદો સેવી રહ્યું છે.
સુરત પૂર્વની બેઠક ઉપર રણજીત ગિલીટવાલાને સ્થાને રાણા સમાજને બદલે સુરતી ક્ષત્રિય સમાજ અથવા બ્રહ્યણ સમાજને તક આપવાનું વિચારણા છે. કતારગામની બેઠક ઉપર પાટીદાર અને ઓબીસીના મહદઅંશે સરખો મતો હોઇ આ વખતે પાટીદારોની નારાજગીને પગલે ઓબીસી ઉમેદવાર મુકાય તેવી શક્યતાઓ છે. અલબત્ત, કામરેજ, ઉધનાની બેઠક ઉપર જ્ઞાતિ સમીકરણોને અકબંધ રાખીને નવા ચહેરા પસંદ કરાય તેવું જોવાય રહ્યું છે.