(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૩
૮મી નવેમ્બર ર૦૧૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાદવામાં આવેલ નોટબંધીના બે વર્ષ પૂર્ણ થતા તેના વિરોધમાં આજે ૧૩મી નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ધરણા, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા ચિરાગ રાયકાના જણાવ્યા અનુસાર સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ બાબુભાઈ રાયકા (એડવોકેટ), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમેટી સદસ્ય હરિશ સૂર્યવંશી સહિત કોંગ્રેસના અગ્રણીઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરીએ સવારે ૧૧ કલાકે ધરણા યોજ્યા હતા. નોટબંધીના બે વર્ષ બાદ પણ સામાન્ય લોકો કફોડી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવો રેકોર્ડ તોડી રહ્યાં છે. ફુગાવાનો દર વધી રહ્યાં છે. મોંઘવારી ભ્રષ્ટાચાર વધી રહી છે. નોટબંધી બાદ ચલણી નાણું ફરી રિઝર્વ બેંક પાસે આવી ગયું છે. કાળુ નાણું ક્યાં ગયુ વગેરે બાબતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના માર્ગદર્શનથી આજે રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય મથકને તેમજ મહાનગરોમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો.