(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
ખેડૂતોના દેવા માફીની માગે અને પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના સમર્થનમાં આજે સવારથી સતત ૨૪ કલાક માટે શહેર કોંગ્રેસ દ્વારા ચોકબજારમાં ગાંધી પ્રતિમાં પાસે ધરણા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં શહેર-જિલ્લા સહિત પ્રદેશના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે.
સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ રાયકાના જણાવ્યા અનુસાર આજે સવારે ૧૧ કલાકથી આવતીકાલે શનિવારે ૧૧ કલાક સુધી સતત ૨૪ કલાક માટે ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓના ધરણા પ્રદર્શન શરૂ થયા છે. રાજ્યના ખેડૂતોના દેવા માફી તેમજ હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો પરથી રાજદ્રોહની કલમ નાબૂદ કરવાની માગ સાથે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. આજે સવારે ૧૧ કલાકે ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવડિયા, પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્ર ડો. તુષારભાઈ ચૌધરી, વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ બાબુભાઈ રાયકા, મનપાના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ દેસાઈ, શંભુભાઈ પ્રજાપતિ સહિત વિવિધ અગ્રણીઓ, કોર્પોરેટર, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સવારથી ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ સતત ૨૪ કલાક સુધી ધરણા પ્રદર્શન કરશે. આખી રાત કોંગ્રેસી કાર્યકર્તાઓ ધરણામાં જોડાશે.