(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
થર્ટીફસ્ટને ધામધૂમથી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. ત્યારે સુરતમાં રાતને રંગીન કરવા આવતા દારૂના જથ્થાને સ્ટેટ વિજિલન્સ ટીમે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સ્યાદલા ગામે ઝડપી પાડ્યો હતો. પોલીસે ૨૫ લાખના દારૂ ભરેલી ટ્રક સાથે બેને ઝડપી પાડી કુલ રૂા.૩૪.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બે કારના ચાલકો સહિત કુલ ૧૧ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.
થર્ટીફસ્ટ માટે સુરતમાં દારૂનો મોટો જથ્થો આવતો હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી. જેથી સ્ટેટ વિજિલન્સની ટીમે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રયાદલા ગામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળી એમ. એચ. ૧૫ એમ ૩૭૯૦ નંબરની ટ્રક નજરે ચઢતા પોલીસે તેને અટકાવી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે ટ્રકની તલાશી લેતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી બનાવટનો દારૂ તથા બિયરના ટીન મળી કુલ ૧૯,૯૨૦ બોટલ કબજે કરી હતી. પોલીસે ૨૪.૨૧ લાખનો દારૂ તથા બે મોબાઇલ, રોકડા રૂપિયા ૧૨,૩૩૦ અને ૧૦ લાખની કિંમતની ટ્રક મળી કુલ ૩૪.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક ઇમરાન અયુબ શેખ (રહે. નવાપુરા, મહારાષ્ટ્ર) અને સોેયેબ અમીન શાહ (નવાપુરા, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે નવપુર્ણ કમલેશ મારવાડી, પંકજ નામદેવ સોનવણે (રહે. નવાપુરા), નીતિન પાટિલ (રહે. નવાપુરા), સમીર શેખ (રહે. નવાપુરા), અનિલ મામા (રહે. નવાપુરા), રોશન ઉમેશ ઠાકુર (રહે. દમણ), હર્ષ ભંડારી (રહે. ભીમપોર, સુરત)કેતન દિલીપ ભંડારી (રહે. વાપી), દિનેશ ઉફ્ફે અશોક સંજય દેવરે (રહે. નવસારી), બાબુ સોહનલાલ મારવાડી (રહે. બારડોલી) અને ટ્રકનું પેટ્રોલિંગ કરનાર એક સ્વીફ્ટ કાર તથા વર્ના કારના ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.