(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામના ખેડૂતના અઢી વર્ષના પુત્રનું ઓટોરિક્ષામાં અપહરણ કરી મીંઢોળા નદીમાં નાખી દેવાની ઘટનાના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડનું તંત્ર દોડતુ થઈ ગયુ઼ હતું. જોકે, સુરત ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાઓ બોટ સાથે મીંઢોળા નદીમાં અઢી વર્ષના બાળકની શોધખોળ આદરી છે. પરંતુ હજુ સુધી બાળકનો કોઈ અત્તો-પત્તો મળ્યો ન હોવાનું ફાયર બ્રિગેડ ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા વણેસા ગામના લુહાર ફળિયામાં નિશિત રાજેશભાઈ પટેલ તેમની પત્ની બેનાબેન તથા બે પુત્રો સાથે રહે છે. નિશિત પટેલ પોતે ખેતીનું કામ કરે છે. નિશિત પટેલના માતા-પિતા અમેરિકા સ્થાયી થયેલા છે. નિશિત પટેલના મોટો પુત્ર નવસારી ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. સોમવારે સવારે ૧ કલાકે નિશિત પટેલ પોતાની આઈ-૨૦ કાર લઈને ગામના બાલ મંદિરમાં મૂકવા જતા હતા ત્યારે રસ્તામાં રિક્ષા ચાલકે બાળકનું અપહરણ કરી લઈ જઈ મીંઢોળા નદીના પુલ પર થી નીચે નાંખી દઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે બાળકની શોધખોળ કરવા સુરત ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઓફિસર જગદીશ પટેલ પોતાની ટીમના ૧૦ સભ્યો સાથે મીંઢોળા નદી પાસે ધસી જઈ બારડોલીથી પલસાણા ડાભી સ્ટ્રીમ એટલે કે ઉતરતા પ્રવાહમાં અઢી વર્ષના બાળકની શોધખોળ શરૂ કરી છે. એક બોટ પર ૪ તથા ૪ તરવૈયાઓ નદીની બંને બાજુએ બાળકની શોધખોળ શરૂ કરી છે, પરંતુ હાલમાં બાળકનો કોઈ અત્તો પત્તો ન મળ્યો હોવાનું જાણવા મળે છે.