(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
સુરતની ધણી મોટી કંપનીઓ પેઢીઓની વેટ અને હવે જીએસટી ચુકવણી બાકી છે. જેને લઈને તંત્ર દ્વારા આવી કંપનીઓ -પેઢીઓને વર્ષોથી બાકી વેટ અને હવે જીએસટીની ચુકવણી તાકીદે કરી દેવા માટે નોટિસો ફટકારાઈ છે. સાથે સાથે ડિપાર્ટમેન્ટના ચોપડે ઘણા રીઢા ડિ-ફોલ્ડરો પણ નોંધાયેલા છે કે જેમની વર્ષોથી વેટની ચુકવણી બાકી છે. તેવા ડિ-ફોલ્ટરો સામે કડકાઈ કરવા માટે પણ તંત્રએ કમર કસી છે. આ ઉપરાંત ચાલુ હિસાબી વર્ષમાં પણ જીએસટી ચોરી કરતી મોટી હોટેલો અને રેસ્ટોરન્ટની ઘણી વિગતો ડિપાર્ટમેન્ટ પાસે હોવાથી આગામી દિવસોમાં તેમના ઉપર તવાઈ બોલાવવામાં આવશે.
પુરા થયેલા હિસાબી વર્ષમાં સ્ટેટ જીએસટીના અધિકારીઓને કડકાઇથી કામ ન લેવા સુચના હતી. કાયદો સમજતા વેપારીઓને પણ પરેશાની ન થાય તેનું ધ્યાન રખાયું હતું. જો કે જીએસટીથી વેપારીઓ-પેઢીઓ અને કંપનીઓ દ્વારા તેને ગેરલાભ ઉઠાવવાની શરૂાઆત કરી દેવાઈ હતી. જીએસટી ચોરી કરવા માટે આ વેપારીઓએ બિલ વગર જે ધંધાની શરૂઆત કરી દીધી હતી. તેવી જ રીતે મોટી હોટેલ અને નાના રેસ્ટોરન્ટમાં પણ બિલ વગર ધંધો શરૂ થઈ ગયો હતો. આ ફરિયાદો વધતાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકોની ચોરી પકડાઈ જતાં તેમની સામે તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત ઘણા મોટા ડિ-ફોલ્ડરો પાસેથી તંત્રને કરોડો રૂપિયાની ઉધરાણી બાકી છે. જેની વસૂલાત પણ બાકી હોવાથી સ્ટેટ જીએસટી દ્વારા આવી ડિ-ફોલ્ડરોને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે સાથે જેમના જીએસટી પણ બાકી છે. તેમની પાસેથી પણ ઉધરાણી શરૂ કરવામાં આળી છે. વેટ વિભાગ દ્વારા હિસાબોની ચકાસણી દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે જે કંપનીઓ રજિસ્ટર્ડ હોય, ઓન પેપર તે કરોડો રૂપિયાનો વેપાર કરતી હોય પરંતુ કોઈ જ ટેકસ જમા ન કરાવતી હોય આટલું જ નહીં, આવી કંપનીના ચાલાક સંચાલકો બોગસ બિલિંગની વિગતો રજૂ કરીને વેટ વિભાગ પાસેથી લાકો રૂપિયાની ટેક્સ ક્રેડિટનો લાભ લેતા હતા. જેની વિગતો સામે આવતાં વેટની ટીમે સંખ્યાબંધ કંપનીઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. આવી કંપનીઓની નોંધણી પણ રદ કરવાની પ્રકિયા શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે.