(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરના ઉધના વિસ્તારમાં આવેલી હઝરત બાલાપીર દરગાહે ચમત્કારની વાતો વેહતી થતાં મોડીરાત્રે હજારો શ્રદ્વાળુઓ ઉમટી પડ્યા હતા. દરગાહમાં મઝાર (કબર) શ્વાસ લેતી હોય તે રીતે હલી રહી હોવાની વાત ફેલાતા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યાંમાં એકત્રિત થવા માંડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં આવેલી વર્ષો જૂની હઝરત બાલાપીરની દરગાહ છે. માત્ર મુસ્લિમો જ નહીં, સ્થાનિક હિંદુ માટે પણ આસ્થાના પ્રતિક સમાન આ દરગાહ રવિવારે રાત્રે અચાનક ચર્ચામાં આવી ગઇ હતી. રાત્રે એવી વાત વહેતી થઇ હતી કે, દરગાહમાં ચમત્કાર થયો છે. બાલાપીર દરગાહમાં જે મઝાર છે કે, શ્વાસ લેતી હોય તે રીતે હલી રહી છે. મઝાર શ્વાસ લઇ રહી હોવાના આ ચમત્કારની વાતે ધીરે-ધીરે અહીં ભીડ એકઠી થવા માંડી હતી. મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાથી, તો અન્યો કુતૂહલથી વશ થઇ અહી એકઠા થયા હતા. શ્રદ્વાળુઓની ભારે ભીડ જામતાં દરગાહના દરવાજા બંધ કરી દેવાયા હતા. જેઓ પહેલાં દરગાહમાં પહોચ્યાં તેઓએ અહીં મોબાઇલમાં શુટિંગ પણ કર્યું છે. મઝાર ઉપરની ચાદર તથા ફૂલોનો હાર હલતો હોય એવા દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાઇરલ થતાં જનમેદની વધી ગઇ હતી. ઉધના દરવાજા જંક્શન તેમજ ફ્લાય ઓવર પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. દરગાહે ચમત્કાર અને હજારોની ભીંડ ઉમટ્યાની વાત કાને પડતાં પોલીસ અધિકારીઓ દોડતાં થઇ ગયા હતા. સુરક્ષાના કારણોસર અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
હઝરત બાલાપીરની દરગાહે ચમત્કારની વાતથી શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટ્યા

Recent Comments