(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી પોલિશ્ડ હીરાની કિંમતમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે, એક તરફ રફ હીરાની કિંમતમાં વધારો થઇ રહ્યો છે ત્યારે પોલિશ્ડ હીરાની કિંમતમાં ઘટાડો થતા હીરા ઉદ્યોગકારોએ હાલત કફોડી થઇ છે.
હીરા ઉદ્યોગમાં સૂત્રો પાસેતી જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા એક મહિનાથી દેશ અને વિદેશમાં કટ અને પોલિશ્ડ હીરાની કિંમતમાં ઘટાડો થતા હીરા ઉદ્યોગકારો પાસે સ્ટોકનો ભરાવો થઇ ગયો છે જેને પગલે તેમને ઓછી કિંમત પર માલ વેચવાની ફરજ પડી રહી છે, તેની સામે આંતર રાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમત વધતા રફ હીરાની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગકારો આવા સંજોગોમાં પરેશાન થઇ ગયા છે. મોટા હીરા ઉદ્યોગકારોનો જેમ તેમ ચલાવી રહ્યાં છે. પરંતુ નાના ઉદ્યોગકારોની હાલત કફોડી થઇ છે. ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં એક તરફ રફ ડાયમંડમાં ભાવોમાં વધારો બીજી તરફ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે રેપાપોર્ટ દ્વારા પોલિશ્ડ ડાયમંડના ભાવોમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે હીરા ઉદ્યોગકારો ભાવમાં ઘટાડો અનુભવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગમાં પોલિશ્ડ ડાયમંડના ભાવો નક્કી કરતા રેપાપોર્ટ દ્વારા ૧.૪૯ સેન્ટ થી પ કેરેટ સુધીના પોલિશ્ડ હીરાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રે એલ તથા એમ ઉપરાંત એસ કલરની કિંમતમાં ફેરફાર કરાયા છે. સામાન્ય રીતે ડોલર મજબુત થતા પોલિશ્ડ ડાયમડંનું બજાર નરમ રહેતું હોય છે.તેમજ રફ ડાયમંડ સામે પોલિશ્ડની કિંમત નરમ રહેવાના કારણે પુરતા પ્રમાણમાં વેપાર મળતો ન હતો. રેપાપોર્ટ દ્વારા કરવામાં આવેલા વધારાના કારણે પોલિશ્ડની કિંમતનું માર્કેટ પોઝીટીવ રહેવાનો સ્થાનિક વેપારીઓનો મત હતો, પરંતુ સીઝનના અભાવે પુરતા પ્રમાણમાં વેપાર મળી શક્યો નથી, જેથી ભાવમાં ઘટાડો થયો છે.