(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૨૦
વિવિધ રાજકીય પક્ષો તથા કેટલાક એનજીઓ દ્વારા વારે ઘડીએ રેલીઓ અને સભાઓ યોજવામાં આવે છે. આ રેલી કે સભા યોજાતા પહેલાં સંબંધિત સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની હોય છે. ત્યારબાદ આ અધિકારી કેટલીક શરતોને આધિન પરવાનગી આપે છે. ગત તા.૯ ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ હતોે. આ દિવસની ઉજવણી માટે આમનડેરા ગામના સુભાષ કાનજી વસાવાએ ગત તા.૨ ઓગસ્ટના ભીલીસ્તાન ટાઈગર સેનાના લેટરપેડ ઉપર કોસંબાથી માંગરોળ, માંગરોળ પોલીસ મથકના ગામોમાંથી રેલી કાઢી ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામ સુધી રેલી લઈ જવાના હતા. એ માટે માંગરોળ, મામલતદાર કચેરી પાસે પરવાનગી માંગી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીએ કુલ સાત શરતોને આધિન પરવાનગી આપી હતી. તા.૯ના ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી માટે વાહન રેલી કાઢી હતી. વહીવટી તંત્ર દ્વારા રેલીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પરંતુ આયોજકોએ પરવાનગીમાં દર્શાવેલ શરતો નંબર પાંચનો ભંગ કર્યાનું ધ્યાન ઉપર આવ્યું છે. સી.ડી.નો અભ્યાસ કરતા આયોજકોએ શરત પાંચનો ભંગ કર્યાનું ધ્યાન ઉપર આવતા માંગરોળના મામલતદાર અને એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ મનીષભાઈ પટેલે ગઈકાલે તા.૧૯ના આ પ્રશ્ને સુરત જિલ્લા ભીલીસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ સહિત અન્ય તથા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ઉપરોક્ત વિગતવાળી ફરિયાદ માંગરોળ પોલીસ મથકે આપતા માંગરોળના પીએસઆઈ એસ.એલ.વસાવાએ ઉપરોક્ત છ આગેવાનો અને અન્ય અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઈપીસી ૧૮૮ મુજબ એફઆઈઆર દાખલ કરી, ઉપરોક્ત છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઈ એસ.એલ.વસાવા ચલાવી રહ્યા છે.
સુરત જિલ્લા ભીલીસ્તાન ટાઈગર સેનાના ૬ સહિત અન્ય ટોળા સામે ફરિયાદ

Recent Comments