(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
ગુજરાતના ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ મુદ્દે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ પટેલે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા લગભગ અઢી દાયકાથી ગુજરાતના ખેડૂતની સ્થિતિ કથળતી જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારની પ્રજા વિરોધી નીતિ અને વલણો કારણભૂત હોવાનું જણાય છે. રાજ્ય સરકારે અગ્રીમતાના ધોરણોને ખેડૂતોને ખેતી માટે જરૂરી વીજળી સાનુકૂળ સમયે મળે અને સિંચાઈનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જાઈએ. છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં કેનાલ સબકેનાલનું કામ પૂર્ણ થયું નથી. ઉપરાંત અત્યારે પણ રાજ્યમાં બે લાખ કરતાં વધુ વીજ જાડાણની અરજીઓ પડતર છે અને તેમને વીજ જોડાણ મળ્યા નથી. વધુમાં અગાઉ કોંગ્રેસના શાસન દરમ્યાન, ખેડૂતો માટે સાનુકૂળતા પૂર્વક હોર્સ પાવર પર વીજળી આપવામાં આવતી હતી અને ૧૨ કલાક માટે વીજળી આપવામાં આવતી હતી. તેનાથી વિપરીત છેલ્લા બે દાયકાથી માંડ ૬ થી ૮ કલાક માટે અને તે પણ અગવડભર્યા સમયે વીજળી આપવામાં આવે છે. આશ્રર્યજનક રીતે ઉદ્યોગપતિઓને અત્યંત સરળતાથી પૂરતા પ્રમાણમાં વીજળી પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી, મોંઘુ ખાતર, ખાતર ઉપર વેટ, મોંઘુ બિયારણ તેમજ મોંગી જંતુનાશક દવાઓની પરિસ્થિતિમાં ખેતપેદાશોની પડતર ઘણી ઉંચી થાય છે. ખેડૂતોએ ના છુટકે લોન લેવી પડે છે. ત્યાર પછી પણ ખેડૂતોને ખેત પેદાશનું પૂરતુ વળતર નહીં મળવાની સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો દેવાના ખપ્પરમાં ડૂબી રહ્યાં છે. આ સંજાગોમાં ખેડૂતોના સરકારી લેણાં માફ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. રાજ્ય સરકારે ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે તાત્કાલિક કાર્યક્રમ વ્યવસ્થા ગોઠવવી જાઈએ. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના સમયગાળામાં મગફળીના રૂ.૧૨૦૦ અને કપાસના રૂ.૧૪૫૦ ખેડૂતોને મળતા હતા. લોકસભાની ચૂંટણી પ્રચાર સમયની મગફળીના રૂ.૧૨૦૦, કપાસના રૂ.૧૫૦૦ તેમજ ખેડૂતોને ઉત્પાદન પર ૫૦ ટકા આપવાની લોકરંજક બયાનબાજીને બાજુ પર રાખીએ. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતો પાસેથી ૩૨ લાખ ટન મગફળીના પાકની ખરીદી કરવામાં આવશે. પરંતુ તેના બદલામાં માત્ર ૮ લાખ ટન જ મગફળી ખરીદી જેનું પેમેન્ટ પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે અને બટાકા માટે સબસીડી હતી તે રાજ્ય સરકારે બે વર્ષથી આપી જ નથી. વિશેષતઃ ગુજરાતના ખેડૂતો તુવેરના ઉત્પાદનમાં અત્યંત નીચા ભાવોને લીધે અત્યંત કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. રાજ્ય સરકારે તુવેરની ખરીદીની જાહેરાતો કરી અને રૂ.૧૦૦૦થી ૧૧૦૦ના ટેકાના ભાવ બાંધેલા હતા. પરંતુ હકીકતમાં રૂ.૬૦૦ થી ૭૦૦ ના ભાવે જ તુવેરની ખરીદી થઈ અને ખેડૂતોનું આર્થિક શોષણ થયું એટલે સરકાર દ્વારા ખેતપેદાશોની પોષણક્ષમ ભાવે વાસ્તવિક ખરીદી થાય તેવી અસરકારક અને કાર્યક્ષમ વ્યવસ્થા ગોઠવવામાં આવે તે આવશ્યક છે. ગુજરાતના ખેડૂતો અપૂરતા અને મોંઘા વીજળી-પાણી ઉપરાંત અત્યંત મોદ્વઘા, ખાતર, બિયારણ અને જંતુનાશકો સાથે સાથે પોતાનો પરસેવો રેડીને ખેતઉત્પાદન કરે છે. પરંતુ યોગ્ય સમયે પૂરતી વીજળીના અભાવ કે નબળા નકલી બિયારણ જેવા અનેકવિધ કારણોસર પાકનિષ્ફળ જાય ત્યારે ખેડૂતોની પાકવીમાની પૂરતી રકમ સમયસર ચૂકવવામાં આવી વ્યવસ્થા કરવાની કોંગ્રેસ પક્ષની માંગણી છે.