(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૪
સુરત જિલ્લા એસ.ઓ.જી. ટીમે જિલ્લામાં ટ્રક ચોરી કરતી ગેંગના બે સાગરિતોને ઝડપી પાડી, ૧પ લાખની કિંમતના બે ડમ્પરો કબજે કર્યા છે. સાથે જ આ બે સાગરિતોએ કુલ પાંચ ટ્રકો ચોરી કરી હોવાનું કબૂલ્યું છે.
આ સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી.ના પીએસઆઈ એ.વાય. બલોચ પાસેથી મળેલી માહિતી અંતર્ગત સુરત ગ્રામ્ય વિસ્તારમાં ટ્રક ચોરીના બનાવો બની રહ્યા છે. આ પ્રશ્ને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે, એસઓજીના પીએસઆઈ એ.વાય.બલોચ તથા કામરેજના પીએસઆઈ એમ.બી. તોમરને આ દિશામાં તપાસ કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે એસઓજી ટીમના સ્ટાફ સાથે મળેલ બાતમીના આધારે બે સાગરિતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં સીરાજમિયાં ફકીરમહંમદ શેખ (ઉ.૪૭) રહે.અગાંકીગામ, તા.ગળતેશ્વર, જિ. ખેડા તથા રફીકમિયાં યાસીનમીયાં શેખ (ઉ.૪૦ વર્ષ) રહે.અગાડીગામ, તા. ગળતેશ્વર, જિ.ખેડાની અટક કરી પૂછપરછ કરતાં આ આરોપીઓએ પાંચ ટ્રકો ચોરી કર્યાનું કબૂલ્યું છ. એસઓજી ટીમે ડમ્પર નંબર જીજે-૧૯ યુ-૧૩પ૧ (કિંમત સાત લાખ) તથા ડમ્પર નંબર જી.જે.૧૬ એક્ષ-૭૪૩૮ (કિંમત આઠ લાખ) મળી કુલ પંદર લાખની કિંમતના બે ડમ્પરો કબજે કર્યા છે. આ બંને ડમ્પરો ચોરાયા અંગેની એફઆઈઆર જિલ્લા પોલીસમાં દાખલ થયેલ છે. આ સાગરિતો રાત્રિના સમયે પાર્કિગમાં પડેલ ટ્રકોને ડુપ્લીકેટ ચાવીથી ખોલી ટ્રક ચોરી કરી લઈ જઈ નજીકમાં કોઈ જગ્યાએ મૂકી જતા રહેતા હતા. ત્યારબાદ પોલીસનું ચેકિંગ બંધ થઈ જતાં, ટ્રકને ત્યાંથી આગળ લઈ જઈ, નક્કી કરેલ જગ્યાએ પાર્ક કરી વેચી મારતા હતા. અન્ય ત્રણ ટ્રકો આગળ આપવા માટે આપેલ હોવાથી ચોરીની જગ્યાની ચોક્કસ માહિતી ધરાવતા નથી. એસઓજી ટીમે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.