(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
ઔદ્યોગિક રીતે હરણફાળ વધી રહેલા અને ઝડપથી વકસી રહેલા સુરત જિલ્લાની પ્રસિધ્ધ થયેલી મતદાર યાદીમાં ૧.૭૩ લાખ મતદારોનો વધારો થવા પામ્યો હતો.જેમાં નવા યુવા મતદારોની સંખ્યા ૨૯૫૬૧ નોંધાઈ હતી.
આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાતમાં પ્રથમ વખત વીવીપેટ મશીનોનો ઉપયોગ થનાર હોવાનું પણ જાણવા મળે છે.
સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેના માટે જિલ્લામાં જરૂરીયાત મુજબના ઈવીએમ/વીવીપેટ મશીનો આવી ગયા છે જેની ચકાચણી ચાલી રહીછે.સુરત સહિત સમગ્ર જિલ્લામાં ગત તા.૧લી જુલાઈથી ૩૧મી જુલાઈ દરમિયાન મતદારયાદીની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત જિલ્લામાં અગાઉ ૩૯,૨૫,૪૫૯ મતદારો નોંધાયા હતા. આ ચુંટણીઓમાં ૧.૧૭ લાખ મતદારોનો વધારો થઈ ૪૦.૧૩ લાખ જેટલા નોંધાયા છે. ૨૯,૬૦૧ મતદારોના નામો કમી કરવામાં આવ્યા છે. આખરી મતદારયાદી મુજબ ૨૧,૭૯,૦૨૫ પુરુષ તથા ૧૮,૩૪,૨૬૦ જેટલી મહિલા મતદારો મળી કુલ ૪૦,૧૩,૩૬૧ મતદારો પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ૪૩૫૬ મતદાન મથકો નક્કી થયા છે. ૧૮ થી ૧૯ વર્ષની વચ્ચે ૨૯,૫૬૧ જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જયારે ૨૦ થી ૨૯ વર્ષની વચ્ચે ૪૩૯૨૭ મતદારો નોંધાયા છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરના આદેશાનુસાર રાજયની તમામ વિધાનસભા મત વિભાગની મતદાર યાદીની સક્ષિપ્ત સુધારણાનો બીજા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા.૧/૭/૨૦૧૭ થી તા.૩૧/૭/૨૦૧૭ સુધી મેળવવામાં આવેલ હક્ક દાવા અને વાંધાના અરજીઓ સ્વીકારીને તેનો નિયમોનુસાર આખરી નિકાલ તા.૨૫/૯/૧૭ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ઈવીએમ/વીવીપેટ મશિનના નિદર્શન સાથે પ્રેકટીકલ જાણકારી પણ આપવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સી.વી.પટેલે મતદાર સુધારાણા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.