(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૧૪
કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સુરત જિલ્લાના કોંગ્રેસના વફાદાર બે ધારાસભ્યોનો સન્માન સમારોહ ખોલવડ એમ.એ.આઈ. સંકુલના હોલમાં માજી કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીનું શાલ ઓઢાડી તેમજ ઉપસ્થિત ગામે ગામથી પધારેલ આગેવાનો, કાર્યકરોએ પુષ્પગુચ્છથી સન્માની તેમની ઈમાનદારી અને વફાદારીને બિરદાવી હતી.
વ્યારાના ધારાસભ્ય પૂનાજીભાઈ ગામીતે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે અમારા ઉપર ચારેકોરથી દબાણ, લોભ, લાલચ બધા જ પ્રયત્નો કરાયા હતા. પરંતુ અમો અમારી વિચારધારા અને અમારા સન્માનનીય નેતા ડૉ. તુષાર ચૌધરી અને અહમદ પટેલને પડખે રહેવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરી તમામને ઠુકરાવી પાર્ટીને વફાદાર રહી આપ સૌનું પણ ઋણ અદા કરવાના સહભાગી થવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.
માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વ્યક્તિ મહાન નથી પાર્ટી મહાન છે ત્યારે કોંગ્રેસના સૈનિક તરીકે મે પાર્ટીના આદર્શો અને ગુણો તેમજ કોંગ્રેસનો ઈતિહાસ જોયો છે. અનુભવ્યો છે. ક્યારેય સત્તા, લાલચમાં ન પડવું એ થકી સન્માનનીય નેતા અહમદભાઈ પટેલના વિજયના યશભાગી થયા તેનો મને ગર્વ છે ત્યારે આવનાર દિવસોમાં આ સૌએ પણ હવે કોંગ્રેસને જીતાડવા યજ્ઞમાં જોડાઈને સહભગાી થવા મંડી પડવા આહ્‌વાન કર્યું હતું.