(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને ભાજપ દ્વારા રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ અમદાવાદમાં, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં જનસંપર્ક મહાઅભિયાન શરૂ કર્યાનું જાણવા મળે છે.આ અભિયાનના ભાગરુપે સુરતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
સુરત શહેર ભાજપા અધ્યક્ષ નીતિનભાઈ ભજિયાવાલાની આગેવાની હેઠળ સુરતના સૈયદપુરા પારસી શેરી વિસ્તારથી મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શહેર ભાજપના તમામ પદાધિકારીઓ અને આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ઘરોઘર જઈને લોકોને મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જનતા જર્નાદનને ઉદ્દેશીને જે સંદેશા લખેલ છે તે લોકો સુધી પહોચાડવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરી અને સિદ્ધિઓને પણ આવરી લેવામાં આવી છે. ૭મીથી ૧૨મી નવેમ્બર સુધી શહેરના તમામ વોર્ડમાં ભાજપના આગેવાનો-પદાધિકારીઓ અને સંભવિત ઉમેદવારો જનસંપર્ક અભિયાનનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે. જનસંપર્ક અભિયાન બાદ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે નોધનીય છે કે ભાજપ દ્વારા ગુજરાતભરમાં ગૌરવ મહાસંપર્ક ઝૂંબેશ શરૂ કરાતા ચૂંટણી પ્રચારમાં ઉત્સાહ આવી ગયો છે અને ધીરે ધીરે ચૂંટણી પ્રચારનો માહોલ જામી રહ્યાં છે અને રાજકીય પક્ષોના કાર્યકરોમાં પણ ઉત્તેજના છવાઈ જવા પામી છે.