(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
વરાછા વિસ્તારની કમલપાર્ક સોસાયટી ખાતે કિશોરને છરો બતાવીને લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભુરી અને તેનો સાગરિત કાળીયા દ્વારા પેશન મોટર સાઈકની લૂંટ કરી હતી. આ બનાવમાં પોલીસે લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભુરીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરા ખાતે રહેતી અસ્મિતા ઉર્ફે ભૂરીનો વરાછા વિસ્તારમાં ભારે આતંક છે. ખૂલ્લી તલવાર અને ચાકુ સાથે ફરતી ભૂરી દુકાનો બંધ કરાવી આ વિસ્તારમાં અવારનવાર ભયનું વાતાવરણ ફેલાવે છે. હેમકુંજ સોસાયટી, રંગ અવધૂત સોસાયટી પાસે માતાવાડી ખાતે રહેતા મહેશ કાળુ વણઝારીયાનો પુત્ર ચિરાગ ગતરોજ બપોરે વરાછા કમલ પાર્ક સોસાયટી પાસેથી પેશન મોટર સાઈકલ પર પસાર થતો હતો. કમલ પાર્ક સોસાયટીના ગેટ પાસે અસ્મિતા ઉર્ફે ભુરીએ ચિરાગની બાઈકને અટકાવી હતી. ભુરી અને કાળીયાએ ચિરાગને છરો બતાવીને મોટર સાઈકલની ચાવી લઈ બાઈક લૂંટી લીધી હતી. આ બનાવ અંગે ચિરાગના પિતા મહેશ વણઝારીયા દ્વારા વરાછા પોલીસ મથકે અસ્મિતા ઉર્ફે ભુરી અને કાળીયો બન્નેની ઉમર આશરે ૨૦ થી ૨૫ સામે પેશન મોટર સાઈકલ જીજે-૫એફકે ૧૪૯૨ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.