અમદાવાદ, તા.૨૧
યુધિષ્ઠિરે રૂઇયાની ઉંમર માત્ર ૧૬ વર્ષની છે પણ પોતાની વયથી વધારે પરિપક્વતા દર્શાવતા તેમણે સુરતમાં એક અનોખો પ્રોજેક્ટ આરંભ્યો “અંતઃપ્રેરણા” તેનો હેતુ સુરત જિલ્લાના હજીરા અને આસપાસના ગામોની મહિલાઓને પોતાની બેકરી કે ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સ્થાપિત કરવા મદદરૂપ થવાનો છે જેથી આ મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની શકે. તેમણે આ માટે એક વેબસાઇટ પણ શરૂ કરી છે. ઉદ્યોગ સાહસિકતા હકીકતમાં યુધિષ્ઠિરના લોહીમાં છે. તેઓ ૧૫ અબજ ડોલરના એસ્સાર ગ્રુપના ડિરેક્ટર અંશુમાન રૂઇયાના પુત્ર છે. નાની ઉંમરમાં તેમણે બિઝનેસ સંભાળવાનું જનૂન બતાવ્યું છે અને મહત્ત્વની વાત એ છે કે, પોતાના પહેલાં જ સાહસમાં તેમણે નાના ઉદ્યોગ સાહસ અને ગ્રામીણ અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અંતઃ પ્રેરણા સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા મહિલાઓને સશક્ત કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના જેવો છે. ગયા વર્ષે યુધિષ્ઠિર અવારનવાર હજીરા આવતા અને અહીંની મહિલાઓને મળતા તેમનું કહેવું છે કે, મોટાભાગે મહિલાઓ રાંધવું, બાળકો ઉછેરવા જેવા પરંપરાગત કામોમાં જ વ્યસ્ત રહે છે. મને તેમનામાં સમાજે ચીંધેલા આ કાર્યો ઉપરાંત પણ ઘણી સંભાવના દેખાઇ તેમને જરૂર હતી માત્ર પ્રેરણા અને એક્સ્પોઝરની હજીરા અને આસપાસના વિસ્તારોમાં વપરાશની પેટર્ન પર રિસર્ચ કરીને બે મુખ્ય કળા બેકરી અને ગારમેન્ટ ઉત્પાદન નક્કી કરાઇ. બેકરી ટ્રેનિંગ માટે ૩૯ મહિલાઓએ નામ નોંધાવ્યા અને તેમને તાજગી, ગુણવત્તા અને ચોખ્ખાઇ પર કેવી રીતે ફોકસ કરવું તે બતાવાયું. ગારમેન્ટ ઉત્પાદન માટે ૪૦ મહિલાઓની કુશળતામાં વૃદ્ધિ કરવા પર ભાર મૂકાયો. આ મહિલાઓને બિઝનેસ મેનેજમેન્ટ, ગ્રાહક સેવા અને પાયાના એકાઉન્ટિંગની જાણકારી અપાઇ. એટ્રેપ્રેન્યોર્શિપ ટ્રેનિંગ માટે અંતઃ પ્રેરણાએ બેંગ્લુરૂના એનજીઓ આઇ ક્રિએટ સાથે સહયોગ કર્યો તો બેકરી માટે મુંબઈની ડેસર્ટ કાર્ટ અને કેક એ લાવ્યા એ વર્કશોપ યોજ્યા. હવે અંતઃ પ્રેરણાની મહિલાઓ જાતે પોતાનો બિઝનેસ સંભાળવા સંપૂર્ણ સજ્જ છે. યુધિષ્ઠિર આ મહિલાઓને કામ કરતી જોઇ ગર્વ અને રોમાંચ અનુભવે છે તેઓ કહે છે કે, તેઓ એક ગ્લોબલ યુનિવર્સિટીથી ફોર્મલ બિઝનેસ ડિગ્રી મેળવવાની તૈયારી કરી રહ્યા છે અને આ પ્રોગ્રામથી જે શીખવા મળ્યું છે તેમને ઊંચું સ્થાન અપાવવામાં મદદરૂપ થશે.