સુરત, તા.૪
૧૬૩ લિંબાયત વિધાનસભા વિસ્તારના ભાઠેના વિસ્તારમાં આવેલ તારા વિદ્યા મંદિર શાળાના મેદાનમાં ગઈકાલ તા.૩-૧ર-ર૦૧૭ના રોજ સાંજના સમયે રાજસ્થાન મુસ્લિમ સમાજ સંમેલનના નામે ૧૬૩ લિંબાયત વિધાનસભા, વોર્ડ નં.૧૮ની એક રાજકીય મીટિંગનું આયોજન ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોઈપણ પ્રકારની પરવાનગી વગર કરવામાં આવેલ અને આ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપવા માટેની ભાષણબાજી કરવામાં આવેલ, આ બાબતની કોંગ્રેસ કાર્યકર અસલમ સાયકલવાલાને થતા તેમણે પોતાના મોબાઈલ પરથી ૧૬૩ લિંબાયત વિધાનસભાના ચૂંટણી અધિકારીના મોબાઈલ અને નોડલ ઓફિસરના મોબાઈલ પર ટેક્ષ મેસેજ દ્વારા તેમજ નોડલ ઓફિસરને કોલ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ તેમની ફરિયાદ બાદ ચૂંટણીની અધિકારી દ્વારા સ્થળ તપાસ કરાતા ત્યાં મીટિંગ ચાલુ હતી તે મીટિંગને ઓન ડયુટી અધિકારીઓએ બંધ કરાવી અને મીટિંગમાં ઉપસ્થિત આયોજકોને આવી મીટિંગ ન કરવાની મૌખિક સુચના આપી તેવું નોડલ ઓફિસરએ તેમની ફરિયાદના આશરે ૩૦ મિનિટ બાદ કોલ કરીને જણાવ્યું.
ચૂંટણી આચારસંહિતાના નિયમ મુજબ કોઈપણ શૈક્ષણિક સંકુલમાં સંચાલકોની પરવાનગી તેમજ ચૂંટણી અધિકારીની પરવાનગી વગર કોઈ રાજકીય પ્રવૃતિ કરી શકાય નહી અને ચૂંટણી સમયે આવું જે કોઈ શૈક્ષણિક સંકુલની મિલકતનો ઉપયોગ રાજકીય પ્રવૃતિ માટે થાય તે ચૂંટણી આચારસંહિતાના નિયમ મુજબ ગંભીર ગુનો બને છે. આ બાબતમાં હાજર કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના રાજકીય દબાણમાં આવી માત્ર મૌખિક સુચના આપે તે આદર્શ ચૂંટણી આચારસંહિતા માટે યોગ્ય નથી અને આવા બનાવોને રાજકીય દબાણમાં આવી આપના દ્વારા છાવરવામાં આવે તે વખોડવા પાત્ર છે. હાલમાં સૌ એવું ઈચ્છે છે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી નિષ્પક્ષ અને તટસ્થ પણે કાર્યવાહી થવી જોઈએ પરંતુ આવા ગંભીર બનાવમાં ચૂંટણી તંત્ર દ્વારા ભાજપના ઈશારે આંખ-આડા-કાન કરવામાં આવે તેનો અમારો સખત વિરોધ છે. આ બાબતમાં ચૂંટણી પંચના નિયમ મુજબ તારા વિદ્યામંદિર શાળાના સંચાલકો સામે તટસ્થ અને નિષ્પક્ષ પણે તપાસ કરી કડકમાં કડક દાખલારૂપ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી અસલમ સાયકલવાલાએ માગ કરી છે.