(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રાના વિરોધમાં સુરતના વરાછા, કાપોદ્રા તથા પુણા પાટિયા જેવા વિસ્તારોમાં કૌરવ યાત્રા જેવા બેનરો લાગતા શહેર ભાજપની છાવણીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતના ભાજપના ગઢ સમાન સુરતના પણ કેટલાક વિસ્તારોમાં ભાજપની ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા તરીકે ઉલ્લેખાતા બેનરો લાગવા પામ્યા છે. જેના કારણે શહેર ભાજપના અગ્રણીઓમાં ઘેરી મૂંઝવણ વ્યાપી જવા પામી છે. બેનરમાં વિકાસને વિકાર કહેવામાં આવ્યો છે. આ સાથે જ બેનરમાં વધતી મોંઘવારીનો મુદ્દો ઊઠાવવામાં આવ્યો છે. સાથે પાટીદારો પર થયેલા ગોળીબાર વિષેના પણ પ્રશ્નો બેનર મારફતે કરવામાં આવ્યા છે. પોસ્ટર વોર દ્વારા ભાજપની યાત્રાનો વિરોધ થતાં સુરતમાં ભાજપની ગૌરવ યાત્રાને ફેરવવાના મુદ્દે મુશ્કેલી વધી શકે તેમ હોય નેતાઓ સહિત ભાજપી કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં આજે અચાનક કોંગ્રેસ વિદ્રોહી નેતા શંકરસિંહ આવી ચઢ્યા હતા. સાથે જ આજે જ એનસીપીના નેતા પ્રફુલ પટેલે પણ એક રેલી યોજી હતી. માજી કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલે આજે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગોની હાલત દયનિય બની જવા પામી છે. ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે.