(અન્સારી તાહિર દ્વારા) સુરત, તા.૩
સ્પેશિયલ મેરેજ એક્ટ ૨૦૦૬થી લાગુ થયા બાદ સુરતમાં વર્ષ ૨૦૧૨ (માર્ચ)થી ૨૦૧૭ (ઓગસ્ટ) સુધી ૮૩૧ જેટલા સ્પેશિયલ મેરેજ નોંધાવવા પામ્યા છે. આમ આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાની ધાર્મિક વિધિઓ અને રીતરસમો મુજબ જ લગ્ન કરવાનું વધુ યોગ્ય માને છે. પરંતુ ધાર્મિક રીત-રસમો અને પરિવારના મોભાને અનુરૂપ લગ્ન કરવામાં ન માની રજિસ્ટર્ડ લગ્ન કરવાની માન્યતા લોકોમાં ધીમે ધીમે વધી રહ્યાનું પણ મેરેજ રજિસ્ટ્રેશનના આંકડા ઉપરથી પ્રતીત થાય છે.
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૨૦૦૬થી લગ્ન નોંધણી ફરજિયાત બનાવાઈ છે. જેના કારણે કેન્દ્ર સરકારના આદેશાનુસાર રાજ્ય સરકારો દ્વારા લગ્ન નોંધણી માટેના વિવિધ પ્રકારના ચોક્કસ માળખાની ગોઠવણ કરવામાં આવી છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી કચેરીએ, નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર કચેરીએ, મહાનગરપાલિકા વિસ્તારોમાં પાલિકા કચેરીએ લગ્ન નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જ્યારે જે તે જિલ્લા કલેક્ટર હસ્તકની સ્પેશિયલ મેરેજ નોંધણી કચેરીમાં મુજબ સીધા રજિસ્ટર્ડ લગ્નની નોંધણીની પ્રક્રિયા થાય છે. જેના માટે પ્રથમ રૂા.૧ની નોટિસ ફી, લગ્ન નોટિસ ફી રૂા.૯, વધારાની નકલ ફી રૂા.૧ તથા લગ્ન નોંધણી ફી રૂા.૩ મળી કુલે રૂા.૧૪ વસૂલવામાં આવે છે. આમ માત્ર રૂા.૧૪ ખર્ચીને અરજદારો રજિસ્ટર્ડ લગ્ન કરી શકે તેવી સુવિધા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે.
આમ છતાં વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૧૭ સુધીમાં સુરતની સ્પેશિયલ મરેજે નોંધણી શાખામાં જઈ કુલ ૮૩૧ યુગલોએ લગ્ન જ નોંધાવી સરકારની આ સુવિધાનો લાભ લીધો હોવાનું પ્રતીત થાય છે. જ્યારે આંકડાકીય માહિતી અનુસાર વર્ષ ૨૦૧૨માં ૧૨૭, ૨૦૧૩માં ૧૫૩, ૨૦૧૪માં ૧૨૧, ૨૦૧૫માં ૧૨૩, ૨૦૧૬માં ૧૭૧, ૨૦૧૭માં ૧૩૬ લગ્ન સેક્સન ૧૩ હેઠળ નોંધણી થવા પામ્યા હતા.
જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ લગ્ન થઈ ગયા હોય અને નોંધણી થવાની બાકી હોય (સેક્સન ૧૬) તેવા લગ્નની નોંધણીના વર્ષ પ્રમાણેની આંકડાકીય પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૨માં ૬૩, ૨૦૧૩માં ૬૨, ૨૦૧૪માં ૪૯, ૨૦૧૫માં ૩૩, ૨૦૧૬માં ૭૦, ૨૦૧૭માં ૭૫ લગ્ન નોંધણી થવા પામ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે સ્ત્રી-પુરૂષ અલગ-અલગ જ્ઞાતિના હોય અને સ્પેશિયલ મેરેજ કરવા માટે જાય છે, ત્યારે બંને વ્યક્તિઓ પાસેથી પોતાના ધર્મ પરિવર્તન કર્યા વગર આ મેરેજ કરી રહ્યા હોવાનું સોગંદનામું લેવામાં આવે છે. ત્યાર પછી જ સ્પેશિયલ મેરેજ એક્ટની કાર્યવાહી આગળ ધપાવવામાં આવે છે. કારણ કે ગુજરાતમાં ધર્મ પરિવર્તન પ્રતિબંધ ધારો લાગુ હોય આ કાર્યવાહી કરવી પડતી હોય છે. જો બંનેની કાસ્ટ સરખા હોય તો સોગંદનામાની કોઈ જરૂર પડતી નથી.
જ્યારે ભારત બહારથી જો કોઈ પક્ષકાર મેરેજ કરવા માટે આવે છે. ત્યારે તે વ્યક્તિએ પોતાની એમ્બેસીમાંથી ત્યાં કોઈ મેરેજ ન કર્યા હોવાનું એન.ઓ.સી. લાવવું ફરજિયાત છે.
સ્પેેશિયલ મેરેજનું જ્યારે ફોર્મ રિસીવ કરવામાં આવે છે. તે જ દિવસે નોટિસની એક નકલ રજિસ્ટ્રેશન ઓફિસના નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવે છે. જ્યાં પક્ષોમાંથી કોઈ પણ સમાન પ્રકાશન માટે હાજર-કાયમી સરનામા ધરાવે છે. નોટિસના પ્રકાશનની તારીખથી એક મહિના બાદ જાહેર જનતામાંથી જો કોઈ વ્યક્તિ દ્વારા આ લગ્ન સંબંધે કોઈપણ પ્રકારની વાંધા અરજી કરવામાં ન આવે તો લગ્નની સુનિશ્ચિતતા થઈ શકે છે. વાંધાના કિસ્સામાં લગ્ન અધિકારી પૂછપરછ કરે છે અને પૂછપરછ પૂરી થયા પછી લગ્નની સુનાવણી કરવામાં આવતી હોવાની સ્પેશિયલ મેરેજ અધિકારી એ.સી.પટેલે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, હેનરી સુમનર મૈને સૌ પ્રથમ ૧૮૭૨ એક્ટ-૩નો પ્રારંભ કર્યો હતો. સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ એ જૂના અધિનિયમ ૧૮૭૨નું સ્થાન લીધું છે. નવા કાયદામાં ત્રણ મુખ્ય ઉદ્દેશો છે. (૧) To provide a special form of marriage in certain cases(ચોક્કસ કેસોમાં લગ્નનો ખાસ પ્રકાર પૂરો પાડવા માટે (૨)o provide for registration of certain marriages and,(ચોક્કસ લગ્નના રજિસ્ટ્રેશન માટે) (૩) to provide for divorce.(છૂટાછેડા આપવા માટે).
વર્ષ ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા બધા લગ્નો રજીસ્ટર કરવા માટે ફરજિયાત કરવામાં આવ્યા હતા. ભારતમાં લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ હેઠળ અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ હેઠળ નોંધણી કરાવી શકાતી હતી. વિશિષ્ટ લગ્ન કાયદો ભારતના તમામ નાગરિકોને લાગુ પડે છે. લગ્ન કરવા માટે લઘુત્તમ ઉંમર ર૧ વર્ષની (પુરૂષો માટે), ૧૮ વર્ષ (સ્ત્રીઓ માટે) છે. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ર૦૦૬ મુજબ લગ્ન નોંધણીની કામગીરી ૧લી જાન્યુઆરી ર૦૦૮થી સુરત મહાનગરપાલિકામાં શરૂ કરવામાં આવી હતી.