(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
અમદાવાદ ખાતે પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માગતા સુરતના પાટીદારોને ઉપવાસ ઉપર બેસતા પોલીસ દ્વારા અટકાવાતા પાટીદારોએ સુદામા ચોક ખાતેની સોસાયટીમાં જ ઉપવાસ પર બેસીને હાર્દિક પટેલને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોનને ત્રણ વર્ષ પૂર્ણ થતાં હાર્દિક પટેલ અમદાવાદ ખાતે પોતાના ઘરે આમરણાંત ઉપવાસ પર બેઠો છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે ચોથા દિવસે સુરતના મોટા વરાછા, સુદામા ચોક વિસ્તારની સોસાયટીઓમાં પાટીદારો સ્વૈચ્છીક રીતે પોત પોતાની સોસાયટીઓમાં ઉપવાસ પર બેસીને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું. મોટા વરાછા વિસ્તારના કોર્પોરેટર દેવજી ખોડા ગોયાણી ઉર્ફે દેવરાજ ટીંબીના જણાવ્યા અનુસાર ચાર દિવસ અગાઉ સુરતથી કોર્પોરેટર નિલેશ કુંભાણી હાર્દિકના સમર્થનમાં સુરતથી અમદાવાદ જતો હતો. ત્યારે પોલીસે તેની સરદાર ફાર્મ યોગીચોક ખાતેથી અટકાયત કરી હતી. અમદાવાદ પોલીસે પણ હાર્દિકના ઘરના આજુબાજુ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી બહારગામથી આવનારા પાટીદાર સમર્થકોને રોકવામાં આવી રકહ્યાં છે. જેથી આજે સવારથી અમારા નિવાસ સ્થાને પાટીદાર સમર્થકો સાથે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. આ પ્રતિક ઉપવાસમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાણી સહિત કાર્યકરો પણ જાડાયા છે. સવારથી સાંજ સુધી પ્રતિક ઉપવાસ કર્યા હતા.