(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા સેવા સદન-૨ ખાતે યોજાયેલી બેઠકમાં ધોડદોડ રોડ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેના સર્કલથી અને રંગીલા ચાર પાર્ક રસ્તાથી પાર્લે પોઈન્ટ સુધી આડેધડ કરવામાં આવેલા પાર્કિંગના કારણે ઉદ્‌ભવતી ટ્રાફિકની સમસ્યા સંદર્ભે ટ્રાફિક અને પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે યોગ્ય પગલાં ભરવાની સૂચના કલેક્ટરએ આપી હતી. સુરત-સચીન વચ્ચે જૂનો ઓવર બ્રિજ પરના ખરાબ રસ્તાને પરિણામે થતા અકસ્માતો સંદર્ભે તાત્કાલિક રસ્તા પરના ખાડાઓને રિપેર કરવાની સૂચના સુડા વિભાગના અધિકારીઓને આપી હતી. કામરેજ વિસ્તારની સોસાયટીઓ તેમજ અન્ય ગામોમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા બાબતે કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરએ સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને કચરાનો નિકાલ કરવા માટે સંબંધિતોને સૂચના આપી હતી. કામરેજના ધલા ગામની કઠોર ગામથી ધલા રૂટમાં ચાલતી બસને નિયમિત કરવા તથા સુરતથી પાસોદરા જતી બસને સવાર અને સાંજના સમયે ચલાવવાની રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો હતો. મોરા ત્રણ રસ્તાથી હજીરા અને ત્યાંથી તાપી નદી સુધીના રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જણાવ્યું હતું.
બહુમાળી ભવન ખાતે સરકારી કચેરીઓમાં સમયાંતરે સાફ-સફાઈ કરવાની તાકીદ કલેક્ટરએ કરી હતી. આગામી તા.૨૦ અને ૨૧મીના રોજ યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓની તમામ તૈયારીઓ પૂર્ણ કરવાના આદેશો કલેક્ટરે આપ્યા હતા. આ બેઠકમાં સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ મુકેશભાઈ પટેલ, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, ઈશ્વરભાઈ પરમાર, જનકભાઈ પટેલ, પ્રફુલ પાનશેરિયા, મોહનભાઈ ઢોડિયા, રણજીતભાઈ ગિલીટવાલા, જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશ, અધિક જિલ્લા કલેક્ટર સંજય વસાવા તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.