(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે ૬ વાગ્યાથી શરૂ થયેલા વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. સવારે નોકરી ધંધે અને સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી પણ જોવા મળી હતી. શહેરમાં સાડા ત્રણ કલાક સુધી ખાબકેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારો સહિત કતારગામ, વરાછા, અડાજણ, રાંદેર, સીટીલાઇટ, પાર્લે પોઇન્ટ, વેસુ, ઉધના દરવાજા, કાદરશાની નાળ, ઉધના, લિંબાયત, પાંડેસરા તથા રેલવે ગરનાળાઓમાં કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. જો કે, વરસાદ થંભી જતાં તમામ પાણી ઓસરી ગયા હતા. ખાસ કરીને અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવી સિવિલ ટ્રોમા સેન્ટર અને કેમ્પસમાં પણ પાણી ભરાઇ જવાના કારણે દર્દીઓ અને કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. ઉમરપાડામાં વરસાદના કારણે કુદરતી સૌદર્ય પણ ખીલી ઉઠ્યુું હતું. પરંતુ વરસાદથી જનજીવન પર અસર જોવા મળી હતી. આ ઉપરાંત બારડોલીમાં ૪૯ મીમી, કામરેજમાં ૫૦ મીમી, ચોર્યાસીમાં ૧૫ મીમી, મહુવામાં ૮૦ મીમી, માંડવીમાં ૧૬ મીમી, માંગરોળમાં ૨૭ મીમી, પલસાણામાં ૧૨ મીમી, સુરત શહેરમાં ૫૭ મીમી અને ઉમરપાડામાં ૧૬૮ મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓલપાડ તાલુકો કોરોકટ જોવા મળ્યો છે. આમ ધોધમાર વરસાદના કારણે તાપી નદીમાં નવા નીર આવવાની શરૂઆત થઇ છે. જેના કારણે કોઝવેની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ધોધમાર વરસાદ પડવાના કારણે શહેરમાં પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઇ છે. માત્ર અઢી ઇંચ વરસાદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.