(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત શહેર સહિત જિલ્લામાં સોમવારે વહેલી સવારથી વાતવરણમાં પલટો આવ્યો છે અને હળવાથી ભારે વરસાદી ઝાપટાંઓ પડ્યા હતા. શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. જેની સામે બીજા તાલુકા કોરાકટ જોવા મળ્યા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદની આગાહી નથી. જોકે, હળવાથી ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સોમવારે વહેલી સવારથી સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે ૮થી ૧૦ની વચ્ચે વરાછા ઝોન, સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોનમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને ૨ મિમિથી ૪ મિમિ વરસાદ નોંધાયો હતો. વરાછામાં ભારે વરસાદના પગલે ગાયત્રી સોસાયટી નજીક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેથી સવારે નોકરી અને ધંધે જતા લોકોને ઉભા રહી જવાની નોબત આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં પણ વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતા. બારડોલીમાં ૩ મીમી, કામરેજમાં ૧૦ મીમી, માંગરોળમાં ૧ મીમી, ઓલપાડમાં ૩ મીમી, સુરત શહેરમાં ચાર મીમી અને ઉમરપાડામાં ૩ મીમી વરસાદ પડ્યો છે. હાલ શહેરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે થોડા થોડા સમયના અંતરે વરસાદના ઝાંપટા પડી રહ્યાં છે.