(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
ગત રોજ સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગત રોજ સાંજથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં ૩ ઈંચ અને આજે સવારે ૬થી સાંજે ચાર વાગ્યા સુધીમાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી ડાંગ જિલ્લામાં આવેલી ખાપરી, સર્પગંગા, ગીરા, અંબિકા અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે ૬થી ૧૦ દરમિયાન સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં ૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના સુબીરમાં ૧૦૪ મીમી, આહવામાં ૮૫ મીમી વરસાદ નોંધાયો છે અને વલસાડ જિલ્લામાં સવારે ૬થી સાંજે ચારની વચ્ચે કપરાડામાં ૫૨ મીમી, ધરમપુરમાં ૩૦ મીમી, વલસાડમાં ૧૨ મીમી, પારડીમાં ૧૧ મીમી, ઉમરગામમાં ૪ મીમી વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં વાંસદામાં ૪૯ મીમી, ચીખલીમાં ૪૪ મીમી, ખેરગામમાં ૩૩ મીમી, ગણદેવીમાં ૨૨ મીમી, જલાલપોરમાં ૫ મીમી, નવસારીમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં નિઝરમાં ૮૭ મીમી, ડોલવણમાં ૨૫ મીમી, સોનગઢમાં ૧૩ મીમી, ઉચ્છલમાં ૧૩ મીમી, વાલોડમાં ૫ મીમી, વ્યારામાં ૫ મીમી, કુકરમુંડામાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લાના ઉમરપાડામાં ૩ મીમી, મહુવામાં ૨ મીમી, માંડવીમાં ૪ મીમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે સુરત શહેરમાં એક વૃક્ષ પડતા મહિલાનું મોત પણ નીપજ્યું હતું. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત રોજ સાંજે ૬થી આજે સવારે ૬ કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં ૧૮૦ મીમી, સોનગઢમાં ૧૦૧ મીમી, ચીખલીમાં ૧૦૦ મીમી, આહવામાં ૯૧ મીમી વરસાદ નોંધાયો હતો અને દક્ષિણ ગુજરાતના ૩૧ તાલુકામાં સામાન્યથી ૭ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.