(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨
સુરત શહેર સહિત દ.ગુ.માં વરસાદએ ગઇકાલે સંપૂર્ણ વિરામ બાદ આજે ભપોરે મેઘાએ ઓચિતું જ ધોધમાર હેત વરસાવ્યું હતું. અને ગણતરીની મિનિતોમાં તો શહેરભરમાં પાણી પાણી થઇ ગયું હતું. પીક અવર્સ અને ખાસ કરીને શાળાઓ શરૂ થવાના છૂટવાના સમયે વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું હતું અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે, ભીની ઠેડક પ્રસરી જતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને લોકોએ તે આનંદ ઉઠાવ્યો હતો. સુરત જિલ્લાના બે તાલુકાઓમાં પણ આજે છૂટાછાવાયા ઝાપટાં પડ્યાં હતા. જો કે, જેમની ચિંતા સતાવી રહી છે તે ઉકાઇના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ ન થતાં પાણીનું લેવલ સતત ઘટી રહ્યુ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે, વરસાદ તૂટી પડે તેવા કઇ અણસાર આવ્યા ન હતાં. પરંતુ બપોરે ૧૨ના ટકોરે ઓચિંતા જ જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટાભાગના ઝોન વિસ્તાર તેમજ શહેરના કોટ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અને કમસે કમ વીસેક મીનિટ સુધી ખાસ્સુ પાણી ખાબક્યું હતું. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો બીજા મુખ્ય માર્ગો પણ અશંત પાણી ફરી વળ્યા હતા. વરસાદ પીક અવર્સમાં પડ્યો હતો અને ખાસ કરીને બપોરે ૧૨ વાગ્યાના સમયે શાળાઓ છૂટવાનો અને ચાલુ થવાનો હોવાથી શહેરભરની સ્કૂલોમાં બાળકોને લેવા જનારા કે મૂકવા જનારા વાલીઓ વરસાદમાં અટલાઇ પડ્યા હતાં. બોળકોને પણ ઓચિંતા વરસાદથી ભારે હાલાકી વેઠવી પડી હતી. રાંદેર ઝોનમાં ઘણા સ્થળોએ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતાં અને ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન પણ થયું હતું. તે જ પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘુંટણ સમા પાણી ભરાઇ જતાં ટ્રાફિક અવરોધાયો હતો.