(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ સંદેર્ભે ગાંધીનગર અને દિલ્હીની ટીમ સ્થળ મુલાકાત કરવા ખજોદ ડ્રિમ સીટી પહોંચી છે. પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કામને મંજૂરી મળી છે. ત્યારે ડ્રીમ સીટી ખાતે મેટ્રો રેલ પ્રોજેકટના અધિકારીઓ કામગીરી માટે સમીક્ષા કરવા ટીમે જાત નિરિક્ષણ કર્યું હતું.
કેન્દ્ર સરકારે રૂા.૧ર૦૦૦ કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ હવે કામ આગળ વધારવા ગાંધીનગરમાં મળેલી બેઠકમાં પ્રથમ ફેઝમાં ખજોદ ડ્રીમ સિટીથી કાદરશાની નાળમાં કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂંક પણ કરાઇ છે. હવેથી દર અઠવાડીએ મેટ્રો રેલની મીટીંગ સુરત ખાતે મળશે અને તેમાં દરેક ઈસ્યુની ચર્ચા કરાશે અને તાકીદે નવો સ્ટાફ નિમાશે. સુરતમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધી પહેલા ફેઝમાં કામકાજ શરૂ થશે. જેની કુલ લંબાઇ ૨૨ કિમી છે. તેમાં ૭ કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડે તેવું આયોજન છે.
આજે સવારે દિલ્હી અને ગાંધીનગરની ટીમ સાથે સુરત મનપાના અધિકારીઓ ડ્રીમસીટી ખાતે હાજર રહ્યાં હતા. ડ્રીમ સીટીથી કાદરશાનીનાળ સુધી એલવેટેડ મેટ્રો કોરીડોર બનાવાનો છે ડ્રીમસીટીથી સરથાણા સુધી મેટ્રોના પ્રથમ ફેઝમાં ડ્રીમસીટીથી કાદરશાહની નાળ સુધીના રૂટને કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેન લી. (જીએમઆરસી ) દ્વારા આ રૂટના કન્સલ્ટન્ટ તરીકે સેસ્ત્રા કંપનીની નિમણુક કરવામાં આવી છે આ પ્રોજેકટ માટે હવે દર અઠવાડિયે સુરત મનપા કમિશનર સમીક્ષા બેઠક કરશે.