(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૫
શહેરના કૈલાસનગર વિસ્તારના ટીનએજ યુવકની પ્રેમિકાના ભાઇએ રોડ પર દોડાવી દોડાવીને અત્યંત ક્રુર રીતે હત્યા કરી નાંખી હતી.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ટીનએજરની આટલી ઘાતકી રીતે માર મારવા પાછળ યુવતીના પિતરાઈ ભાઈનો હાથ હોવાથી પ્રબળ આશંકાને પગલે અઠવા પોલીસે હત્યારાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ કિશોર પટેલ(ઉ.વ.૧૭) પરિવાર સાથે રહેતો હતો. રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં જીગ્નેશ અને તેના ત્રણથી ચાર સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિશને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિશ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો જૈમિશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં જૈમિશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી જીગ્નેશને ઝડપી પાડ્‌યો છે. હાલ પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાતચીતને લઈને ચાલતા ઝઘડામાં જૈમિનની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે. મૃતક જૈમિશને ફોન કરી ઘરની નીચે બોલાવ્યા બાદ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર પૈકી એક યુવકે ચપ્પુના ઘા મારવાની શરૂઆત કરતા જ જૈમિશ ભાગ્યો હતો. જોકે, બે જેટલા ચપ્પુના ઘાના કારણ તે લથડીયા ખાતો રોડ પર દોડી રહ્યો હતો અને પાછળ એક હુમલાખોર ચપ્પુના ઘા મારી રહ્યો હતો. સીસીટીવી પ્રમાણે જૈમિશને ૧૮ જેટલા ચપ્પુના ઘા મારવા છતા થોડે સુધી ચાલીને ગયો હતો. જોકે, ત્યારબાદ રોડ પર જ ઢળી પડ્યો હતો.