સુરત, તા.૧
સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોર સાથે થઈ હતી. સુરતના વેડ રોડ પર આવેલાં પંડોળ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક ગેંગના લોકોએ સામેની ગેંગના એક યુવકની તલવાર, ચપ્પા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસે તેના આધારે પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી એકવાર સૂર્યા મરાઠી ગેંગ અને મનુ બારીયા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થઈ હતી. બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. અને જાહેરમાં જ તલવાર અને ચપ્પું વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો. પાંચથી છ જેટલાં યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં પટેલ ચંદ્રકાંત મુકેશભાઇ નામના એક યુવક લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્યો હતો. આ ગેંગવોરમાં બે યુવકોને ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ હુમલામાં એક યુવકનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
સૂર્યા મરાઠી ગેંગ અને મનુ બારિયા ગેંગ વચ્ચે અથડામણમાં એકનું મોત

Recent Comments