(સંવાદદાતા દ્વારા) સુરત, તા.પ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત આજથી ત્રણ દિવસની સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં આવતાની સાથે જ તેઓેએ રિંગરોડ ઉપરની કાપડ માર્કેટોના પોલીસ દમનનો ભોગ બનેલા વેપારીઓની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે વેપારીઓ સાથે જીએસટી મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. ઉપરાંત ભાજપ શાસકોની નીતિ સામે કઇ રીતે આગળની લડત ચલાવવી તે મુદ્દે પણ ચર્ચા કરી હતી. અશોક ગેહલોતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના ટોચના નેતાઓમાં હાલની સ્થિતિમાં અંદરો અંદર વર્ચસ્વની ભારે ખેંચતાણ ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ વચ્ચે અંદરો અંદર જે ફારટફુટ ચાલી રહી છે. તેના કારણે જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવારનવાર ગુજરાત આવવાની નોબત આવે છે. તેમણે નર્મદાના ડેમ મુદ્દે એમ જણાવ્યું હતું કે ભાજપ પોતાના આચરણ મુજબ વર્તી રહ્યું છે, માટે તેમાં કંઇ નવાઈ પમાડવા જેવું કશું જ છે નહીં. હાલમાં પોતે રાજ્યના વિવિધ વિસ્તારોની ઝોન પ્રમાણે મુલાકાત લેવાના નિર્ધારિત કાર્યક્રમને અનુસરી રહ્યા છે. જ્યાં કાર્યકર્તાઓને મળી તેમની રજૂઆતો સાંભળી તેમને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેઓ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ કરનાર છે.
સુરત શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ હસમુખ દેસાઇના જણાવ્યા મુજબ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બપોરે સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. જ્યાં સુરત કોંગ્રેસના આગેવાનો સાથે એક બેઠક મળી હતી. ત્યારબાદ અલથાણ રોડ કાપડીયા વાડી ખાતે કાર્યકર સંમેલનને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે સંબોધી હતી. ત્યારબાદ મગોબ ખાતે વેપારી સંમેલનમાં હાજરી આપી હતી. એક તરફ જીએસટીના વિરોધમાં વેપારીઓએ ઉગ્ર આંદોલન છેડ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની ત્રણ દિવસની મુલાકાત સુચક બની રહેશે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અશોક ગેહલોત સાથે સુરતના પ્રભારી ધારાસભ્ય હર્ષવર્ધન સપકાલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણીઓ પણ સુરત શહેર ઉપરાંત જિલ્લાના પ્રવાસે છે.
દરમિયાન અશોક ગેહલોતની વેપારીઓની મુલાકાત ટાણે કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ અંગે કોંગ્રેસના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે વેપારીઓ અમને આવકાર સાથે અને મોદી મોદીના નારા પણ લગાવે તે હાસ્યાસ્પદ નથી લાગતું ? વેપારીઓ જીએસટીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને અમારી મુલાકાત ટાણે ભાજપના કેટલાક સભ્યોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. વેપારીઓ તો એ જ સ્થળે નાણામંત્રી અરૂણ જેટલી જીએસટી અને સ્થાનિક સાંસદ સી.આર. પાટિલનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા. મીડિયા પોતે જોઈ શકે છે કે વેપારીઓએ કોંગ્રેસનો વિરોધ કર્યો જ નથી.