સધર્ન ચેમ્બરમાં મીટિંગ યોજાઈ સુરત, તા.૧ર
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટી પ્રોજેકટના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આઈએએસ શ્રી એમ. નાગરાજન (ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટેશન) સાથે ઉદ્યોગપતિ, વેપારીઓ અને ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે કામ કરતી વિવિધ સંસ્થાના પ્રમુખોની મીટિંગ મળી હતી.
શરૂઆતમાં ચેમ્બરના પ્રમુખશ્રી પી.એમ. શાહે મીટિંગમાં સૌને આવકારી પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, ઈનોવેશન, ઈન્ક્યુબેશન, સ્ટાર્ટઅપ અને ટ્રેડ ફેસિલિટી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ થવાની છે તે આપણા સુરત શહેર માટે ખૂબ જ આવકારદાયક છે.
સ્માર્ટ સિટી પ્રોજેકટના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આઈએએસ શ્રી એમ. નાગરાજને કહ્યું કે દેશના પ્રથમ ર૦ શહેરોમાં સુરતનો ચોથા ક્રમે સમાવિષ્ટ કરવામાં આવ્યો છેે. વડાપ્રધાનશ્રી મોદી જાતે જ ગુજરાત રાજ્યનો રિવ્યુ લઈ રહ્યા છે. સુરત શહેરની અંદર ઈનોવેશન, ઈન્ક્યુબેશન, સ્ટાર્ટઅપ એન્ડ ટ્રેડ ફેસિલિટેશનની સુવિધા કઈ રીતે ઊભી કરી શકાય તે માટેના સૂચનો મેળવવા માટે આજની મીટિંગમાં એકત્રિત થયા છીએ. સ્ટાર્ટ-અપના વિચારને ડાયકંડ અને ટેકનોલોજીમાં લાવવાના છે. તે માટે તક ઊભી કરવાનું પ્લેટ ફોર્મ ઊભું કરવાનું છે.
તેમણે કહ્યું હતું કે, ચેમ્બરની જેમ અલગ-અલગ એસોસિએશનું અને સંસ્થાઓનું નેટવર્ક છે. સાથે જ નોલેજ પીપલ્સ પણ છે, જેથી નેટવર્ક ટુ નેટવર્ક ફોલોઅપ કરવાનું છે. વિઝન ડોક્યુમેન્ટ બનાવવાના છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ત્રણ પ્રકારની પાર્ટનરશિપ કરવાની રહેશે. પહેલામાં માત્ર નવા આઈડિયા શેર કરવાના રહેશે. બીજામાં કોલોબ્રેશન એટલે કે સાથે મળીને કામ કરવાનું રહેશે અને ત્રીજામાં એસોસિએટ થવાનું રહેશે. સારૂં કઈ બનશે તે માટે સાથે રહીને કામ કરીશું. સુરતની બ્રાન્ડ ઈમેજ બિલ્ડ કરવાની છે. ગ્રેથી લઈને તમામ વસ્તુઓ બનાવી શકીએ અને ખરીદી માટે કોમન નેગોશીએશન કરી શકીએ. સ્માર્ટ સિટી પ્રોજેકટના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્રિન્ટ-બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની છે.
આ મીટિંગમાં ટેક્ષટાઈલ સહિત વિવિધ ઉદ્યોગોની પ્રગતિ માટે ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.
આ મીટિંગનું સંચાલન સ્માર્ટ સિટી પ્રોજેકટ સાથે સંકળાયેલા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિકે કર્યું હતું. અંતમાં ચેમ્બરના ઉપપ્રમુખ હેતલ મહેતાએ શ્રી એમ.નાગરાજન તથા ઉદ્યોગપતિઓ અને વેપારીઓનો આભાર માની સમાપન કર્યું હતું.