(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સુરત શહેરના મજૂરાગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુનાઈટેડ નર્સિંગ ફોરમના નેજા હેઠળ પ્રતિક ધરણા-ઉપવાસ કરવામાં આવ્યો હતો. સમાન વેતન અને કેન્દ્ર પ્રમાણે પગાર ભથ્થાની માંગ સાથે નર્સિંગના કર્મચારીઓ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી દર ગુરૂવારે કર્મચારીઓ દ્વારા ધરણા-ઉપવાસ તથા દેખાવા યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો તેઓ ૧ ઓગસ્ટના રોજ અમદાવાદમાં રેલી યોજશે. જેમાં સમગ્ર ગુજરાતના નર્સિંગ એસો.ના સભ્યો જોડાનાર હોવાનું જાણવા મળે છે.
યુનાઇટેડ નર્સિંગ ફોરમના નેજા હેઠળ સુરત સહિત ગુજરાતમાં નર્સોની પડતર માંગણીઓને લઇને દેખાવો કરવામાં આાવી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા સમાન વેતની, યુનિફોર્મ, વોશીંગ એલાઉન્સ, ખાનગીકરણની પ્રથા બંધ કરાવવાની માંગણીઓને લઇને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સરકાર દ્વારા તેમની માંગણી સંતોષવામાં આવી હતી.