(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૮
શહેરના સચિન વિસ્તારમાંથી છ માસ પહેલા ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી હતી. અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારના રહીશ હરીશ સોલંકીએ આ કિશોરીને ખરીદી તેણી સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યાની વિગતો પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચિન વિસ્તારના જલારામનગરમાંથી ૧૫ વર્ષની કિશોરી ગુમ થયાની નોંધ છ માસ પહેલા માતા-પિતા દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં કરાવાઈ હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કિશોરી અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા કિશોરી ત્યાંથી મળી આવી હતી.પોલીસે આરોપી હરીશ સોલંકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે ૬ મહિના પહેલા ૭૦ હજારમાં કલોલની એકમહિલા પાસેથી કિશોરીને ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી હરીશની ધરપકડ કરી સુરત લાવી મોડી રાત્રે સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. હાલ તેના લોહી અને અન્ય નમૂનાએ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લવાયેલી પીડિત કિશોરી પાસેથી જાણવા મળ્યા મુજબ ૬ મહિના પહેલા સચિનમાં તે ડ્રેસ સિવડાવવા માટે ગઈ હતી. જ્યાં એક મહિલા તેના સંપર્કમાં આવી હતી. મારી સાથે ચાલ હું તને દીકરીની જેમ રાખીશ એમ કહીં કંઈક સુંઘાડી દેતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદમાં મહિલાના ઘરે ભાનમાં આવી હતી. જ્યાં ૫ દિવસ એ મહિલાએ રાખી હતી. ત્યારબાદ એ મહિલાએ ૭૦ હજાર લઈને કિશોરીને હરીશ સાથે મોકલી આપી હતી. જ્યાં ૬ મહિના હરીશના ઘરે તેણી રહી હતી.આ સમય દરમિયાન હરિશે તેણી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.