(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
વરાછા, પૂણા, સીમાડા અને મોટા વરાછા વિસ્તારમાં મિલકત વેરામાં વધારો આવતા તેમનો વિરોધ કરવા તેમજ અન્ય કેટલાક કામો નહીં થતાં હોવાની રજૂઆત કરવા માટે યોગીચોક સરદાર ફાર્મથી રેલી નીકળવાની હતી. જો કે, પોલીસ દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી નહોતી. જેથી સ્થાનિક કોર્પોરેટરે વીડિયો મારફતે લોકોને પાલિકાનો ઘેરો કરવા માટે પહોંચવા અપીલ કરી હતી. કોર્પોરેટર સહિતના લોકો પાલિકાનો ઘેરો કરવા પહોંચતા પોલીસે તમામની અટકાયત કરી હતી. અટકાયત વખતે કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વરાછા, પૂણા, સીમાડા અને મોટા વરાછા વિસ્તારમાં મિલકત વેરામાં વધારો આવતા તેમનો વિરોધ કરવા તેમજ ખાડીમાંથી આવતી દુર્ગંધ સહિતના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને મંજૂરી નહોતી અપાઈ છતાં પોલીસ દ્વારા પાલિકાનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. બપોરના સમયે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ વીડિયો વાયરલ કર્યો હતો. લોકોને રેલી સ્વરૂપે નહીં પરંતુ સીધા જ પાલિકા પહોંચીને ઘેરાવ કરવા અપીલ કરી હતી. જેથી પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો હતો. નિલેશ કુંભાણીની આગેવાનીમાં આવેલા લોકોને પોલીસે અટકાયત કર્યા હતા.