(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૮
શહેરમાં દર વર્ષે ગણેશ પ્રતિમાઓના વિસર્જનના નામે તાપી નદીમાં હજારો ટન પીઓપી પધરાવાઈ છે. જેનાથી પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. આવા સંજોગોમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ પ્રમાણે સુરત શહેરમાં તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા દેવામાં આવશે નહી એમ પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ જણાવ્યું છે.
આજે પોલીસ કમિશ્નર દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં તાપી નદીમાં શ્રીજીની મહાકાય પ્રતિમાઓ પધરાવવામાં આવે છે અને તેના કારણે નદીમાં પ્રદુષણની માત્રામાં ભયંકર વધારો થઇ રહ્યો છે. તાપી નદીમાં પ્રદુષણ ફેલાતુ અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગાઇડ લાઇન આપવામાં આવી છે. આ ગાઇડ લાઇન પ્રમાણેસુરત શહેરમાં આવેલા વિવિધ ઓવારાઓ પરથી આ વર્ષે તાપી નદીમાં માટીની અથવા તો પીઓપીની એક પણ પ્રતિમાનું વિસર્જન કરવા દેવામાં આવશે નહીં. સુરત મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે ૧૧ કૃત્રિમ તળાવો બનાવાયા હતા તેમાં વધારો કરીને નવા સાત તળાવો બનાવાશે. એટલે શહેરમાં કૃત્રિમ તળાવોની કુલ સંખ્યા ૧૮ થશે. આ કૃત્રિમ તળાવોમાં પાંચ ફુટ સુથીની પીઓપી અને માટીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ સિવાય જે પાંચફૂટથી વધારે ઉંચાઇ વાળી પ્રતિમાઓ છે તે તમામનું વિસર્જન દરિયામાં કરવામાં આવશે. પોલીસ દ્વારા આ માટેની તમામ વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા સાથે મળીને કરવામાં આવશે. પોલીસ આ વખતે આ બાબતે કડક રીતે કાર્યવાહી કરીને કોઇ પણ સંજોગોમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનના આદેશનું પાલન કરશે.