(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ શહેર-જિલ્લામાં આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓને હવેથી સરકારી ગાડી, ઓફિસ અને મોબાઈલ ફોનનો ઉપયોગ માટે આચાર સંહિતા નડશે.
મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જ્યોતિ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમની જાહેરાત માટે બપોરે એક કલાકે દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. ૯મી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ બીજા તબક્કાનું મતદાન ૧૪મી ડિસેમ્બરે મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થશે. બંને તબક્કાની મતગણતરી ૧૮ ડિસેમ્બરે એક સાથે જ થશે. સુરતમાં પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરે મતદાન થવાનું હોવાથી આચાર સંહિતાના અમલની સાથે જ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા સરકારી ગાડી, મોબાઈલ અને ઓફિસની ચાવી જમા કરાવી દીધી છે. સરકારી વાહનનો ચૂંટણી પ્રપ્રચારમાં ઉપયોગ ન થઇ શકે.
સુરત મહાનગરપાલિકાના તમામ સાત ઝોનના અધિકારીઓ દ્વારા જાહેર રસ્તાઓ પર, પાલિકાના ડીવાઈડર, સર્કલ પરથી રાજકીય પાર્ટી તથા રાજકીય આગેવાનોના બેનર, પોસ્ટર, ચિત્રો ઉતારવાની શરૂઆત કરવામાં આવી છે. ચૂંટણી આચાર સંહિતા લાગુ થવાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકારીઓને જરૂરી આદેશ આપીને આચાર સંહિતાનું કડકાઈથી પાલન માટેના આદેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી આચાર સંહિતા દરમ્યાન ચૂંટણી અધિકારીનો નિર્ણય અને આદેશ જ મુખ્ય ગણવામાં આવશે.