(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરતમાં મુંબઈના પબમાં લાગેલી ભયાનક આગમાં ૧૪ જણાં ભડથું થઈ ગયાની બનેલી ઘટનાનું પુનરાવર્તન નહિં થાય તેની કોઇ તકેદારી જ લેવાઈ ન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
જોકે પાલિકા દ્વારા શરૂઆતમાં રેસ્ટોરન્ટની મંજૂરી મેળવવા માટે ફાયર સેફટીના તમામ નિયમોનો દેખાડો કરવામાં આવે છે. એક વખત રેસ્ટોરન્ટના તમામ લાયસન્સો મળી ગયા બાદ તમામ નિયમો અભરાઈએ ચઢાવી દેવામાં આવે છે. સુરત શહેરમાં મોલ, રહેણાંક એપાર્ટમેન્ટો, કોમર્શિયલ બિલ્ડિંગો ટેક્ષટાઈલ માર્કેટોમાં પણ રેસ્ટોરન્ટો ચાલતી હોય છે. જેમાં હવે નવું કલ્ચર ઉમેરાયું છે. સુરત શહેરમાં પણ ધાબા કલ્ચરને ધ્યાનમાં રાખીને ધાબા ઉપર પતરાનું રૂફ બનાવી રેસ્ટોરન્ટો બનાવી દેવામાં આવે છે. મોટા ભાગના મોલમાં પણ રેસ્ટોરન્ટો ચાલતી હોય છે. ખાસ કરીને ધાબા ઉપર ચાલતી રેસ્ટોરન્ટો કયારેય જાખમી પુરવાર થાય તેમ છે. તેમજ પાંચમા માળ ઉપર પણ ચાલતી રેસ્ટોરન્ટો લોકો માટે જીવતાં બોમ્બ સમાન હોય છે. મોટી રેસ્ટોરન્ટોમાં ખાણી માટે વાર-તહેવારે લોકોની ભીડ રહે છે. ખાસ કરીન જન્મદિન સહિતના નાના ફંકશનો આવા રેસ્ટોરન્ટોમાં ઉજવણી કરવાનો નવો ચીલો શરૂ થઈ ગયો છે. ત્યારે ધાબા રેસ્ટોરન્ટ સહિતના મોટા રેસ્ટોરન્ટએ ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવાનું હોય છે. સુરત શહેરમાં નાના-મોટા મળી અંદાજે ૧૫૦૦થી વધુ રેસ્ટોરન્ટો છે. જે પૈકી મોલ, એપાર્ટમેન્ટો, કોમર્શિયલ બિલ્ડિંગ, કાપડ બજાર, ધાબાઓ ઉપર મળી અંદાજે ૨૫૦ થી ૩૦૦ જેટલી રેસ્ટોરન્ટો આવે છે. હાલ ધાબા કલ્ચર રેસ્ટોરન્ટનો ક્રેઝ વધતો જાય છે. આવી રેસ્ટોરન્ટો માટે ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. ફાયર રાઈઝર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, ફાયર એફટીનું યુઝર (બોટલો) રાખવી ફરજિયાત છે. જ્યારે આગની ઘટના બને, તયારે ત્વરિત ગતિએ આગને કાબૂમાં કરવા માટે ફાયર સેફટીના તમામ સાધનો કાર્યરત હોવા જરૂરી છે અને દર વર્ષે ફાયર બ્રિગેડની એનઓસી જરૂરી છે.મુંબઈના પબમાં બનેલી ઘટના અને આવતીકાલે થર્ટીફસ્ટની ઉજવણી હોવા છતાં પણ હજુ સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું નથી. ધાબા સહિતના હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આવા સમયે ફાયર સેફટીના નિયમોનું પાલન થાય છે કે કેમ? એ અંગેનું ચેકિંગ કરવું જરૂરી બની જાય છે? ત્યારે મનપા કમિ. એમ. થેન્નારસન ફાયર બ્રિગેડ-આરોગ્ય વિભાગને આવી રેસ્ટોરન્ટની તપાસ કરાવશે?
સુરત શહેરમાં ૧પ૦૦થી વધુ રેસ્ટોરન્ટો ફાયર સફ્ટીના નિયમોનું પાલન કરે છે ?

Recent Comments